જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે ધોળે દિવસે બાઇક પર જતાં વકીલને આંતરીને બે શખ્સોએ ગળુ પકડી, મુંઢ માર મારી, બળજબરીપૂર્વક ક્યુઆર કોડ દ્વારા રૂા. 10 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી, જરૂરી દસ્તાવેજો પડાવી લઇ નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુરમાં ધ્રાબા ફાટક પાસે આવેલા માધવ એવન્યૂમાં રહેતાં ગૌતમભાઇ કેશવભાઇ કારેણા (ઉ.વ.32) નામના વકીલ ગઇકાલે બપોરના સમયે તેના જીજે03 એલસી 8158 નંબરના બાઇક પર જીપીએસની મદદથી સમર્પણ હોસ્પિટલ તરફ જતા હતા ત્યારે નંબરપ્લેટ વગરના બ્લ્યૂ કલરના એક્ટિવામાં આવેલા બે શખ્સોએ વિશાલ હોટલ પાસે વકીલને આંતરીને ધાક ધમકી આપી, ગળુ પકડી, મુંઢ માર માર્યો હતો. તેમજ બળજબરીપૂર્વક ક્યુઆર કોડ દ્વારા રૂા. 10 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી વકીલ પાસે રહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ પડાવી લઇ નાશી ગયા હતા. ત્યારબાદ વકીલ ગૌતમભાઇ દ્વારા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એસ. એમ. સિસોદિયા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.


