જામનગરમાં એસટી ડેપો પાસેના તળાવના ભાગમાં અસંખ્ય માછલીઓના મોત નિપજતાં પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
તળાવના પાછળના ભાગમાં આજે સવારે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ છીછરા પાણીમાં તરતી જોવા મળી હતી. જેને કારણે આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પણ પ્રસરી હતી. એસટી પાસેના આ તળાવમાં ઉનાળાને કારણે પાણી સૂકાવવા લાગતા બાકી બચેલાં પાણીના ખાબોચિયામાં સમેટાઇ ગયેલી અસંખ્ય માછલીઓ ઓકિસજન અને પર્યાપ્ત પાણીના અભાવે મૃત્યુ પામી હોવાનું માનવામાં આવે છે. માછલીઓના મોતને લઇને જીવદયા પ્રેમીઓની કચવાટની લાગણી પ્રસરી છે. માછલીઓને બચાવવા માટે બાકી રહેલાં પાણીમાંથી માછલીઓને કાઢીને મુખ્ય તળાવમાં સ્થળાંતરિત કરવા અથવા તો તળાવના આ ભાગમાં પાણીનો જથ્થો ઠાલવવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. તેમજ મૃત માછલીઓને જામ્યુકોના તંત્ર દ્વારા તાત્કાલિક દૂર કરવામા આવે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. અગાઉના વર્ષોમાં પણ તળાવના પાછળના ભાગમાં કે જયાં પાણી ઉનાળા દરમ્યાન સૂકાઇ જાય છે. પરિણામે તેમાં રહેલી માછલીઓ મૃત્યુ પામે છે. મુખ્ય તળાવની પાણીના જથ્થાથી પાછલા તળાવનું પાણી અલિપ્ત થઇ જતાં આ માછલીઓ તરીને મુખ્ય તળાવમાં જઇ શકતી નથી. જેને કારણે જેમ-જેમ પાણી સુકાતું જાય તેમ-તેમ માછલીઓ મૃત્યુ પામતી જાય છે.