જામનગર લોહાણા મહાજન સંસ્થા દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. વર્ષ 1967 થી આ સંસ્થા સતત નવરાત્રીના પ્રાચીન ગરબાનું આયોજન કરતી આવી છે. છેલ્લા 58 વર્ષથી થતો આ મહોત્સવ શહેરમાં વિશેષ ઓળખ ધરાવે છે અને અતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ નવરાત્રિ મહોત્સવ સફળ બનાવવા માટે કારોકારી સભ્ય રમેશભાઇ દત્તાણી તથા ટીમ દ્વારા બે મહિનાની ભારે જહેમત ઉઠાવવામાં આવે છે.
દર વર્ષે આ નવરાત્રી મહોત્સવ દરમિયાન નાના બાળકો થી લઈને યુવાનો સુધી વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, રસ અને આકર્ષક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં નાગરિકો આ ગરબાને નિહાળવા માટે ઉપસ્થિત રહે છે. ખાસ કરીને લોહાણા મહાજન સંસ્થા આયોજિત નવરાત્રી ઉત્સવનું મુખ્ય આકર્ષણ શ્રીજીની ઝાંખી સાથેનો 30 મિનિટનો વિશેષ રાસ રહે છે.
છેલ્લા નવ વર્ષથી આ વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં 60 દીકરીઓ અને 46 દીકરાઓ સહિત કુલ 106 બાળકો મંચ પર સુંદર રીતે આ રાસ રજૂ કરે છે. આ અનોખી પ્રસ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ રૂપોનું દર્શન થાય છે – કૃષ્ણ જન્મોત્સવ, નટખટ કાનુડો, ગિરધર ગોપાલ, શ્રીજી બાવા, શ્રીકૃષ્ણ, મહારાણીમાં, વલ્લભરાયજી, વિષ્ણુ ભગવાન જેવા અનેક રૂપો સાથે ભજન-કીર્તન અને રાસનું સુન્દર સંકલન જોવા મળે છે.
બાળકો દ્વારા તૈયાર કરાયેલો આ રાસ એટલો જીવંત બને છે કે દર્શકોને એવો અનુભવ થાય છે કે તેઓ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના લિલા દર્શન કરી રહ્યા હોય. મંચ ઉપર બાળકોના મેકઅપ, વેશભૂષા, સ્ટેપ્સ અને કૃતિની રજૂઆત એટલી સુંદર રીતે ગોઠવાય છે કે દરેક હાજર વ્યક્તિ આ કૃતિમાં લીન થઈ જાય છે.
આ વિશેષ રાસની સફળ રજૂઆત માટે બાળકો એક મહિના સુધી રોજના બે કલાકની મહેનતથી સતત પ્રેક્ટિસ કરે છે. ખાસ કરીને નાના બાળકોનો ઉમંગ અને તલ્લીનતા આ કૃતિમાં ચાર ચાંદ લગાવે છે.
પ્રસ્તુતિ દરમિયાન દર્શકો શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વરૂપોનો આનંદ માણતા હોય છે અને તેમની આંખોમાં ભક્તિભાવ છલકાય છે. આ કૃતિને જોવા માટે ખાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, મહેમાનો અને નાગરિકો ઉપસ્થિત રહે છે અને પ્રારંભથી અંત સુધી રાસનો પૂરો આનંદ માણે છે. મંગળવારે આ નવરાત્રિ મહોત્સવમાં દત્તાણી એન્ડ દત્તાણીના જિગીશભાઇ દત્તાણી તેમના પરિવાર સાથે તથા એએમસી ભાવેશ જાની, ખબર ગુજરાતના રિપોર્ટર દિવ્યેશ વાયડા, ઉપેન્દ્ર ગોહિલ તથા બિલ્ડર ભવ્યભાઇ દત્તાણી તેમના પરિવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
બાળકોની મહેનત, આયોજકોની સુવ્યવસ્થિત તૈયારી અને સમગ્ર ટીમની સામૂહિક કામગીરીને હંમેશા બિરદાવવામાં આવે છે. આ માટે જ લોહાણા મહાજન સંસ્થા આયોજિત નવરાત્રી મહોત્સવ આજે જામનગર શહેરમાં અનોખું સ્થાન ધરાવે છે.
આમ, છેલ્લા 58 વર્ષથી ચાલતી આવી પરંપરા માત્ર ભક્તિભાવ જ નહીં, પરંતુ સામૂહિકતા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બની રહી છે.


