વર્લ્ડકપમાં હવે રસાકસી-રોમાંચનો દૌર શરૂ થયો હોય તેમ ન્યુઝીલેન્ડને પરાસ્ત કરવા સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ હતુ. શામીની ઘાતક બોલીંગ તથા ચેઝમાસ્ટર વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે સરળ વિજય મેળવ્યો હતો. વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ હાર બાદ પ્રથમવાર જીત્યુ છે.
ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને ન્યુઝીલેન્ડને પ્રથમ દાવ લેવા ઉતાર્યુ હતું. બુમરાહ-સિરાજની વેધક બોલીંગથી કિવીઝના બન્ને ઓપનરો સસ્તામાં ઉડયા હતા. કોન્વે 0 તથા યંગ 17 રને આઉટ થતા બે વિકેટ 19 રનમાં પડી ગઈ હતી. આ પછી રવિન રવિન્દ્ર તથા ડેરિલ મિચેલે બાજી સંભાળી હતી. ભારતીય બોલરોનો મકકમતાથી મુકાબલો કર્યો હતો.રનરેટ પણ વધારી દીધી હતી. ત્રીજી વિકેટમાં 149 રન બનાવ્યા હતા ત્યારે રવિન્દ્ર 75 રને આઉટ થયો હતો. ત્યારબાદ નિયમિત ઓવરે વિકેટો પડવા લાગી હતી. એક છેડો સાચવીને ઉભેલા મિચેલે શાનદાર 130 રન ફટકાર્યા હતા. અંતિમ દડામાં છેલ્લી વિકેટ પણ પડી જતા કિવીઝના નિર્ધારિત 50 ઓવરમાં 273 રન થયા હતા. અંતિમ 13 ઓવરમાં ટીમ માત્ર 68 રન બનાવી શકી હતી.
274ના લક્ષ્યાંક સામે મેદાને પડેલા ભારતીય ટીમના ઓપનરો રોહિત શર્મા તથા શુભમન ગીલે આક્રમક શરૂઆત કરી હતી. 67 દડામાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જો કે, ત્યારબાદ રોહિત શર્મા 46 તથા શુભમન ગીલ 26 રને આઉટ થયા હતા. વિરાટ કોહલી તથા શ્રેયસ ઐય્યરે ઝડપી રમત ચાલુ રાખી હતી. શ્રેયસ 33, કે.એલ.રાહુલ 27 તથા સુર્યકુમાર યાદવ 2 રને આઉટ થયા બાદ કોહલીને જાડેજાનો સાથ મળ્યો હતો. બન્ને ટીમને ટારગેટ નજીક લઈ ગઈ હતી. ગત મેચનું પુનરાવર્તન થયુ હોય તેમ કોહલીની સદી તથા ભારતની જીતમાં 5-5 રનનું અંતર રહ્યું હતું ત્યારે વિજયી સીકસ ફટકારવાના પ્રયાસમાં વિરાટ કોહલી 95 રને આઉટ થયો હતો. છેવટે જાડેજાએ ચોકકો ફટકારીને ટીમને જીત અપાવી દીધી હતી. જાડેજા 39 રને અણનમ રહ્યો હતો. આ પુર્વે ભારતીય બોલરોનો દબદબો જોવાયો હતો. શાર્દુલ ઠાકુરના સ્થાને લેવાયેલા મોહમ્મદ શમીએ પાંચ વિકેટો ખેડવીને કિવીઝની કમ્મર તોડી નાખી હતી. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલા શમીએ વન-ડે કેરીયરમાં ત્રીજી વખત પાંચ વિકેટ ઝડપી હતી. વર્લ્ડકપના ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ સામે ભારતમાં સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. આ પુર્વે 1999માં ભારત વિરુદ્ધ કિવીઝે 253 રન બનાવ્યા હતા તે રેકોર્ડ તુટયો હતો.