Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાતજામનગર તથા દ્વારકા જિલ્લામાં કેટલું મતદાન થયું જાણો ?

જામનગર તથા દ્વારકા જિલ્લામાં કેટલું મતદાન થયું જાણો ?

વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જામનગર દક્ષિણ બેઠક ઉપર અંદાજે 20 ટકા ઓછું મતદાન : 8 ડિસેમ્બરે થશે ફેંસલો કોની જીત કોની હાર ?

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર પ્રથમ તબકકાનું મતદાન ગઈકાલે યોજાયું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર સાંજે પાંચ વાગ્યા સુધીમાં — ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાની પાંચ બેઠકોના 44 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂકયું છે. મતદારોએ કોને પોતાની પસંદગીના નેતા તરીકે ધારાસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે ? તે 8 ડિસેમ્બરે ફેંસલો સામે આવશે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ મતદાન મથકોએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. યુવાઓ, વડીલોએ, મહિલાઓ, સવારથી જ મતદાનને લઇ ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રથમ એક કલાકમાં જ પાંચ વિધાનસભા બેઠક ઉપર 4.93 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બેઠક ઉપર મતદારોનો ભારે ઘસારો રહેતાં મતદાનની ટકાવારી વધતી જઈ રહી હતી. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજીભાઈ પટેલ, જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરી, મનોજ કથીરિયા, જામજોધપુરના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા ઉપરાંત શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના રાજકીય અગ્રણીઓ, ઉમેદવારોની સાથે સાથે શહેરીજનોએ મતદાનની ફરજ નિભાવી હતી. લગ્નની સિઝન પણ ચાલી રહી હોય કેટલાંક મતદાન મથકોએ વરરાજા લગ્ન પૂર્વે મતદાન કરવા પહોંચ્યા હતાં અને લોકોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા હતાં.

બપોરે 3 વાગ્યા સુધીમાં કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 44.13 ટકા, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 49.37 ટકા, જામનગર ઉત્તર બેઠક ઉપર 43.10 ટકા, જામનગર દક્ષિણ બેઠક ઉપર 40.75 ટકા તથા જામજોધપુર બેઠક ઉપર 51.15 ટકા મતદાન નોંધાયું હતું. આમ પાંચ વિધાનસભાની બેઠકો ઉપર સરેરાશ 45.68 ટકા મતદાન નોંધાયું હતું.
બપોરે 3 વાગ્યા બાદ અંતિમ બે કલાકોમાં મતદારોની લાઈનો લાગી હતી. કેટલાંક મતદાન બુથ ઉપર પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હોવા છતાં કતારમાં ઉભેલા લોકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં કાલાવડ વિધાનસભામાં 53.58 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર 53.83 ટકા મતદાન નોંધાયું હતુંં. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર 55.96 ટકા, જામનગર દક્ષિણ બેઠક ઉપર 44.63 ટકા તથા જામજોધપુર બેઠક ઉપર 61.73 ટકા મતદાન નોંધાયું હતું. આમ પાંચ વિધાનસભા બેઠક ઉપર સરેરાશ 53.98 ટકા મતદાન નોંધાયું હતું.

- Advertisement -

દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક ઉપર 60.29 ટકા અને દ્વારકા બેઠક ઉપર 57.90 ટકા મતદાન સાથે દ્વારકા જિલ્લાનું સરેરાશ 60.09 ટકા મતદાન નોંધાયું હતું.

કાલાવડ વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2017 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 61.10 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વર્ષે 53.58 ટકા મતદાન નોંધાતા અંદાજે સાત ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2017 માં યોજાયેલી ચૂંટણીમાં 66.28 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વર્ષે 53.83 ટકા મતદાન નોંધાતા 12 ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 65.50 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વર્ષે 55.96 ટકા મતદાન નોંધાયું હતું. આથી 9 ટકા ઓછું મતદાન નોંધાયું હતું. જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપર 2017 માં 64.55 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે માત્ર 44.63 ટકા મતદાન નોંધાતા અંદાજે 20 ટકા ઓછું મતદાન નોંધાયું હતું. જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં 66.06 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે 61.73 ટકા મતદાન નોંધાતા માત્ર ચાર ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. (નોંધ: મતદાનના આ આંકડા સાંજે 5 વાગ્યા સુધીના ટેન્ટેટિવ છે. અંતિમ આંકડા મોડેથી જાહેર થશે.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular