જામનગરમાં સિધ્ધાર્થનગર શેરી નં. 4માં ગાળો આપવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે ઢંઢા ગામે કડિયાકામ બાબતે એક મજૂર યુવાનને ધમકી આપવામાં આવી છે. પોલીસે પીઠડીયા ગામેથી છરી સાથે એક શખ્સને પકડી પાડયો હતો.
સિધ્ધાર્થનગરમાં રહેતા કલ્પેશ જેઠાભાઇ મકવાણા નામના યુવાને આ વિસ્તારમાં જ રહેતા ઋત્વિક ઉર્ફે રાહુલ તથા વેગડ દ્રવિડ નામના બે શખ્સોને ગાળો આપવાની ના પાડી હતી. આ અંગે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ઋત્વિક અને વેગડે છરી વડે કલ્પેશ મકવાણા પર હુમલો કરી પગમાં તથા વાસામાં ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત કલ્પેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેમણે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં જામનગર તાલુકાના ઢંઢા ગામે કડીયાકામ કરતાં ખિમજીભાઇ ટાઢાભાઇ પરમારને ઢંઢામાં જ રહેતાં મહેન્દ્રસિંહ ખોળુભા સોઢા નામના શખ્સે કડીયાકામ કરવાને લઇને ઝઘડો કર્યો હતો. તેમજ ખિમજીભાઇને અહીં કામ કરવા શા માટે આવ્યો છો? તેમ કહીને ધમકાવી હાથમાં છરી લઇ માર મારવાની ધમકી આપી હતી. આ અંગે ખિમજીભાઇએ મહેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
દરમિયાન કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના બસ સ્ટોપ પાસે પોતાના કબજામાં છરી લઇને ફરતાં મોટાવડાળામાં રોહિત વજુભાઇ પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે હથિયારબંધીના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી હતી.