દ્વારકા જિલ્લાના ખંભાળિયા ભાણવડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ કિસાન મહાપંચાયતમાં ‘આપ’ના નેતાઓ દ્વારા ભાજપ સરકાર અને ભાજપાના નેતાઓ વિરૂઘ્ધ આકરા પ્રહાર કર્યા હતાં.
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી, પ્રદેશ મંત્રી પ્રકાશ દોંગા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહીર, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રભારી અને સહ પ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી અને તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રભારી અને સહ પ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી અને તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે સૌ તમારા કામ મૂકીને આજે આ સભામાં પધાર્યા છો એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવવી છે કે ખેડૂતે મગફળી ઉતારી લીધી હોય પાથરા પડી ગયા હોય થ્રેસરમાંથી મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું. શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે બાકી અન્ય રાજ્યોમાં ચાલુ છે. બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ ફંડ લાવવામાં આવશે. એવું પણ કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ છે? પરંતુ જાવક ડબલ કરી નાખી છે. ભાજપે મારા ખેડૂતોને, મજૂરોને, ભાગીયાને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં માત્ર ભાજપના 20,000 પદાધિકારીઓનો જ વિકાસ થયો છે. હું ભાજપ ખેડૂત વિરોધી કેમ છું એના પુરાવા આપવા માંગુ છું. જ્યાં પણ નજર કરશો ત્યાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ હોટલ, ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે. ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા પરંતુ ભાજપના દલાલો લાભાર્થીઓ રહ્યા છે.
મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે માત્ર 125 માણસ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ભાજપના કોઈ સાંસદ ધારાસભ્યની તાકાત નથી કે એવું બતાવે કે 250 મણ મગફળીની ખરીદી કરો નહીં તો હું રાજીનામું આપું છું મારે ખેડૂતો માટે લડવું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે એ ભાજપના મળતીયાઓ કરે છે. એ જ ભાજપનો નેતા દ્વારકા, ભાણવડ, ખંભાળિયા, જામનગર બધી જ જગ્યાએથી ટેકાના ભાવે મગફળી ખરીદશે. એ ભાજપનો નેતા માત્ર એક મહિનામાં દોઢથી બે કરોડની કમાણી કરશે. ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નાટક કરવામાં આવે છે અને એ જ મગફળી ભાજપના નેતાઓના ઘર ભરવા માટેના ખેલ છે.એ જ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો 250 મણના 90,000 રૂપિયા થાય. એ મગફળી ભાજપનો નેતા રૂ.1452 માં ખરીદી કરશે પછી મગફળી ગોડાઉનમાં જશે ગોડાઉનનું ભાડું ભાજપની સરકાર આપશે પછી એ ગોડાઉનમાં આગ લગાડવામાં આવશે પછી એવું કહેશે કે મગફળી બળી ગઈ છે આ બધાથી ખેડૂતને ₹1,00,000 આપવા પાત્ર છે. આપણી સરકાર આવશે તો આ ટેકાના ભાવ માટેની લાઇન લગાડવાની બંધ થઈ જશે. જે પણ ખેડૂત કહે છે કે મારે આટલી મગફળી થઈ છે ત્યાંનો તલાટી ગ્રામ સેવક એ લિસ્ટ આપી દેશે ડાયરેક્ટ તમારા ખાતામાં એક લાખ રૂપિયા આવી જશે. અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓઅને નેતાઓ નથી અત્યારે તેમની પાસે લાભાર્થીઓની ગેંગ છે. ભાજપમાં રહેલા તમામ લોકોને મલાઈ જોઈએ છે એ મલાઈ ખાવા માટે આ ટેકાના નાટકો ચાલે છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં ક્રાંતિ કરી બતાવી, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે. વર્ષોથી ભાજપે એવું તંત્ર બનાવ્યું હતું કે કોઈ માણસને કંઈ બોલવા દેવામાં આવતા ન હતા. સરકારને એક પણ સવાલ કરો અથવા તો સરકારની ટીકા કરો તો ભાજપના ગુંડાઓ અથવા તો પોલીસ આવીને તમને દબાવી દેવાની કોશિશ કરે છે. આ જ રીતે ભાજપે 30 વર્ષ સુધી દબાણ અને ડંડાની સરકાર ચલાવી. પરંતુ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં સાવરણો માર્યો છે, ત્યારથી સમગ્ર ગુજરાતના લોકોમાં નવી હિંમત આવી છે. હવે સમગ્ર ગુજરાતમાં લોકો જાગ્યા છે અને મજબૂતીથી નીડર બનીને પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા છે. અને આ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. હાલ સરકારે એક કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું છે. સરકારી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ ખેડૂતોના હાથમાં એટલા જ રૂપિયા આવે છે જેટલા રૂપિયા ખેડૂતો બીડી અને તમાકુમાં વાપરે છે. લોકો સરકાર માટે મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ જયારે હું વિસાવદરથી ચૂંટણી જીતીને ગાંધીનગર ગયો છું તો મેં જોયું કે ગાંધીનગરમાં કોઈ સરકાર નહીં પરંતુ એક સર્કસ જોયું છે. ચૂંટણી સમયે ભાજપના લોકો મને હરાવવા માટે છૂટા હાથથી લોકોને પૈસાની અને જે વસ્તુ માંગે એની લ્હાણી કરતા હતા અને એક જ વાત કહેતા હતા કે ખાલી ગોપાલ આવવો ના જોઈએ. તો ચૂંટણી સમય પૈસા હોય છે પરંતુ ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે આ લોકો પાસે પૈસા હોતા નથી.
આ બાજુ ખેડૂતો ગમે તેટલી મહેનત કરે પરંતુ સરકાર બધું લઈ જાય છે. જેના કારણે ગુજરાતના ગામડાનો છેવડાનો માણસ દુ:ખી છે. જો દુ:ખ એક વિષયનું હોત તો કદાચ નિરાકરણ આવી ગયું હોત પરંતુ અહીંયા ગણી પણ ન શકાય એટલી વાતોનો દુ:ખ છે. એક તો વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું અને જે પેકેજ આપ્યું છે એમાંથી પણ ખેડૂતોનું કંઈ થાય એમ નથી. આજે અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદ, રાજકોટ, સુરત ભણવા માટે ગયા હશે પરંતુ એ લોકોને ફી ભરવાના પૈસા પણ ખેડૂતો પાસે નથી. ઘણા ખેડૂતોના ઘરમાં કોઈ બીમાર હશે અને મોટો ખર્ચો આવ્યો હશે, ઘણા લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યા હશે અને વિચારતા હશે કે સારો પાક થશે તો સારો પ્રસંગ કાઢીશું. પરંતુ સરકારને આવી કોઈ બાબતની ચિંતા નથી કે ખેડૂતો પોતાના બાળકોને કઈ રીતે ભણાવશે અને પોતાની દીકરીને કઈ રીતે પરણાવશે. અહીંયા પ્રજાની વાત સાંભળવાની જગ્યાએ દર થોડા વર્ષે દિલ્હીથી હુકમ આવે છે અને મિનિસ્ટરોની ખુરશી બદલાઈ જાય છે અને એના પરથી જ દેખાય છે કે આ સરકાર નથી પણ એક સર્કસ છે, જ્યાં ખુરશીનો ખેલ ચાલી રહ્યો છે. જો આ ભાજપના સર્કસને બંધ કરવું હોય તો હું ગુજરાતના તમામ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ અને તમામ લોકોને વિનંતી કરીશ કે એક વખત આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપો તો આપણે ભાજપનું સર્કસ બંધ કરીએ અને જનતાનું શાસન લાવીએ. હમણાં અમુક ખેડૂતોએ દેવું થઈ જવાના કારણે અને પાક બરબાદ થઈ જવાના કારણે આત્મહત્યા કરી, આ અગાઉ મોરબી બ્રિજકાંડમાં 150થી વધુ લોકોને મોત થઈ, હરણી તળાવ બોટ કાંડમાં પણ બાળકોના મોત થયા હતા, આ રીતે અનેક જગ્યાઓ પર નિર્દોષ લોકો સિસ્ટમની ભૂલના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે તો હવે તો હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે મહેરબાની કરીને તમારી આંખો ખોલો.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ખેડૂતોને મોઢે આવેલો કોડીયો છીનવાઈ જાય છે. ગત વર્ષે પણ જ્યારે ખેડૂતોનો પાક બરબાદ થયો ત્યારે સરકારે ખૂબ મોડું મોડું પેકેજ જાહેર કર્યું હતું. સરકારે આ વખતે પણ પેકેજ જાહેર કર્યું પરંતુ ગઈ વખત પણ એક હેકટરે 22,000 આપ્યા હતા અને બે હેક્ટર દીઠ 44000 આપ્યા હતા તો એ પ્રમાણે આ વખતે પણ 44,000 જ આપ્યા છે, તો આ ઐતિહાસિક પેકેજ કઈ રીતે કહી શકાય. અમારું ગુજરાત સરકારને એટલું જ કહેવું છે કે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે જેટલું વળતર પંજાબના ખેડૂતોને આપ્યું તમારે એનો જ એકવાર અભ્યાસ કરવાની જરૂર હતી. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે એક હેક્ટર દીઠ 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી અને બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવી મતલબ એક ખેડૂતને એક લાખ રૂપિયાની સહાય મળશે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ 7,200 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. દેશમાં પહેલીવાર ખેત મજૂરો અને ભાગ્યાઓની ચિંતા કરી છે તો એ આમ આદમી પાર્ટીની સરકારે ચિંતા કરી છે. પંજાબમાં એક જ મહિનામાં ખેડૂતોના ખાતામાં પૈસા આવવા લાગ્યા જ્યારે આપણે ગઈ વખતે અતિવૃષ્ટિ થઈ હતી તેના વળતરના રૂપિયા આવવામાં 11 મહિના લાગી ગયા હતા અને સાંભળવામાં આવ્યું છે કે ઘણા ખેડૂતોના ખાતામાં તો હજુ સુધી પણ ગઈ સાલના વળતરના પૈસા આવ્યા નથી. કૃષિ મંત્રીએ યાદ રાખવું જોઈએ કે ભાવનગરના ખેડૂતોના મત લઈને તેઓ મંત્રી પદ સુધી પહોંચ્યા છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ જણાવ્યું હતું કે, સરકારે મોટું પેકેજ જાહેર કર્યું કારણે કે જમીનનો વિસ્તાર મોટો હતો. 42 લાખ હેક્ટર જમીનમાં જ્યારે નુકસાન થયું હોય તો દસ હજાર કરોડમાં કોઈનું કશું જ ભલું થાય નહીં. એક વીઘા માંડવી વાવેતરનો ખર્ચ 17 થી 19 હજાર રૂપિયા સુધી ઓછામાં ઓછો આવે છે સરકારે જે વળતર જાહેર કર્યું છે એ મુજબ એક વીઘાના માત્ર સાડા ત્રણ હજાર રૂપિયા ખેડૂતને મળે છે. હેક્ટરના 22,000 મળે છે. સવા છ વીઘા વાવેતર નો વાવેતરનો ખર્ચ ગણો તો ₹1,06,250 થાય છે. ખેતરે ખેતરે ગામડે ગામડે સરકારની થુથુ થાય છે એટલા માટે સરકારે આજે એક નવો તાયફો શરૂ કર્યો છે. જે કોઈ એમના દબાણમાં છે મંડળીના ચેરમેન સેક્રેટરી એમની પાર્ટીના આગેવાનો છે એ લોકોને એક તૈયાર પ્રેસ નોટ આપીને કહે છે કે ઐતિહાસિક પેકેજના વખાણ કરતા વિડીયો બનાવો. જેનો પણ વખાણ કરતો વિડીયો આવે તેનું મૂળ અને કુળ શોધશો ભાજપ જ મળશે. ખેડૂતોના ઘા ઉપર મલમ લગાવવાનો હતો એની જગ્યાએ મીઠું ભભરાવવાનું કામ આ સરકારે કર્યું છે. બરડામાં રહેતા માલધારીઓને અધિકાર મળવા જોઈએ તે અધિકાર મળતા નથી. અહીંયા સરકારી ડેરીઓના વહીવટમાં ગોબાચારી ચાલે છે કોઈપણ ભાવ ફેર મળતો નથી. માત્ર ભરવાડ રબારી જ નહીં તમામ જાતિના ખેડૂતો પૂરક આવક માટે ડેરીમાં દૂધ ભરાવે છે એ બધાની સાથે ભાજપના મળતીયાઓ વહીવટદારો દૂધમાં કડદો કરે છે. તેઓ ફેટનો, ભાવનો ,પેકેજનો કડદો કરે છે. આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો પણ છે. અહીંયા બડા ડુંગર ઉપર નલ સે જલ અંતર્ગત નળ નાખવામાં આવ્યા છે પરંતુ પાણીની પાઇપ ક્યાંય નાખવામાં આવી નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. તમારા અને મારા ભરેલા જીએસટીના રૂપિયા ભાજપના ભ્રષ્ટાચારમાં જાય છે. ગામે ગામ અને ખેતરે ખેતરે પ્રશ્નો છે છતાં પણ અહીંયાથી ભાજપના ધારાસભ્ય જીતે છે. અહીંયા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય ભાજપના છે. રાજ્યમાં અને દેશમાં સરકાર ભાજપની છે છતાં પણ ખેતરે ખેતરે પ્રશ્નોનો પાર નથી.


