બ્રિટનના રાજા ચાર્લ્સ અને રાણી કેમિલાની તાજપોશી વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં આજે બપોરે 3:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) થશે. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાશે.અગાઉ 1953માં રાણી એલિઝાબેથને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે તેઓ 27 વર્ષનાં હતાં. તે સમયે ચાર્લ્સ 4 વર્ષના હતાં. હાલ કિંગ ચાર્લ્સ 74 વર્ષના છે. ખરાબ વાતાવરણની ચેતવણી હોવા છતાંય જે રસ્તાથી કિંગનો કાફલો જશે, ત્યાં ભીડ એકઠી થવા લાગશે. તાજપોશી દરમિયાન કિંગ ચાર્લ્સને 700 વર્ષ જૂની સેન્ડ એડવર્ડ ખુરશીમાં બેસાડવામાં આવશે.
તેમના અભિષેક માટે 12મી સદીનો સોનાનો ચમચો અને પવિત્ર તેલનો ઉપયોગ કરવામાં આવશે. ક્વીન એલિઝાબેથનું ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે નિધન થયું હતું. ત્યારે તેઓ 96 વર્ષના હતા. તેમના મૃત્યુ પછી, ચાર્લ્સને બ્રિટનના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા. જોકે તેમની તાજપોશી હવે થશે. એલિઝાબેથને તેમના પિતા કિંગ આલ્બર્ટના મૃત્યુ બાદ રાણી જાહેર કરવામાં આવી હતી, પરંતુ સોળ મહિના પછી, જૂન 1953માં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો.