ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અભયસિંહ જેઠુભા જાડેજા નામના 55 વર્ષના પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાના ઘરેથી મોટરસાયકલ પર બેસી અને નીકળ્યા બાદ લાપતા બન્યા હતા. આ સંદર્ભે તેમના પરિવારજનો દ્વારા તેમની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ વચ્ચે અભયસિંહ જાડેજાનો મોબાઈલ ફોન, બાઈક તથા સુસાઇટ નોટ નજીકના સિંહણ ગામે આવેલા સિંહણ ડેમ પાસેથી મળી આવતા તેમણે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે વાડીનારના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફની ઉપસ્થિતિમાં સલાયાના તરવૈયાઓ, ખંભાળિયા નગરપાલિકા ફાયર ટીમ, વિગેરેની જહેમતથી ગઈકાલે બપોરે તેમના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવા સફળતા મળી હતી. શારીરિક તથા માનસિક તકલીફ ધરાવતા અભયસિંહએ કોઈ દબાણ વગર સ્વૈચ્છિક રીતે, પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સુસાઇટ નોટમાં દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ સંજયસિંહ જેઠુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.