ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે ગઈકાલે ગુરૂવારે ચૂંટણી અંગેની શરત બાબતે બોલાચાલી થતા એક યુવાનને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા રામશીભાઈ કરસનભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાને આ જ ગામના ભીમશી ભોલા ચાવડા, રામ રાયદે ચાવડા, દેવાત વિક્રમ ચાવડા અને લખમણ ભોલા ચાવડા નામના ચાર શખ્સો સામે તેમને બિભત્સ ગાળો કાઢ્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રામશીભાઈ તેમના મિત્ર માલદેભાઈ સાથે ગઈકાલે ગુરુવારે મતદાન કરવા ગયા હતા. બાદમાં તેઓ અહીં આમ આદમી પાર્ટી જીતશે તેવી વાત કરતા હતા. જે અંગેની શરત મારવાનું કહેતા ફરિયાદી રામશીભાઈએ શરત મારવાની ના પાડી હતી.
અહીં ઊભેલા આરોપી ભીમશી ચાવડાએ ફરિયાદી રામશીભાઈને કહ્યું હતું કે “તારામાં તાકાત હોય તો શરત લગાવને”- જેથી તેમણે ના કહી હતી. આ બાબતે થયેલી બોલાચાલી બાદ આ સ્થળે આવી ગયેલા અન્ય ત્રણ શખ્સો રામભાઈ, દેવાતભાઈ અને લખમણભાઈએ એકસંપ કરીને તેમને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે ચારેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ જે.પી. જાડેજાએ હાથ ધરી છે.