જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી સૂર્યનારાયણના આકરા મિજાજથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. દિવસભર આકરા તાપ બાદ સાંજના સમયે ઠંડા પવનોથી શહેરીજનોને આંશિક રાહત મળી હતી. મોડીસાંજે ભારે પવન ફુંકાયો હતો. વેકેશન ચાલી રહ્યું હોય, મોડી સાંજે હરવા ફરવાના સ્થળોએ લોકોની ભીડ જામી રહી છે.
જામનગર સહિત રાજ્યભરમાં આકરા તાપ અને બફારાનો લોકો સામનો કરી રહ્યાં છે. છેલ્લા એકાદ સપ્તાહથી વધુ સમયથી અંગદઝાડતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્ર દ્વારા પણ હિટવેવ સામે સતર્ક રહેવા અને તકેદારી રાખવા અપીલ કરાઇ રહી છે. જામનગરમાં પણ તાપમાન 35થી 39 ડિગ્રી વચ્ચે સતત રહેતું જોવા મળી રહ્યું છે. હવામાં ભેજને કારણે બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 36 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા તથા પવનની ગતિ 10.8 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. દિવસભર આકરી ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યાં છે ખાસ કરીને બપોરના ભાગમાં 12થી 4 દરમિયાન લોકો બિનજરુરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જામનગર શહેર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડિયા, ફલ્લા, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, ભાટિયા સહિતના વિસ્તારોમાં પણ આકરી ગરમી જોવા મળી રહી છે.
દિવસભર આકરી ગરી બાદ સાંજે પવન ફુંકાતા લોકોને થોડી રાહત મળી રહી છે. મોડીસાંજે પવનની ગતિ વધતા લોકો હાશકારો અનુભવી રહ્યાં છે. ગરમી અને ઉનાળુ વેકેશન વચ્ચે સાંજના સમયે હરવા-ફરવાના સ્થળોએ લોકોની ભીડ જામી રહી છે. દિવસ દરમિયાન છાસ, લચ્છી, લીંબુ સરબત, સોડા સહિતની વસ્તુઓ તેમજ રાત્રીના સમયે આઇસ્ક્રીમ, બરફ ગોલા, કોલ્ડ્રીંકસની મજા લોકો માણી રહ્યાં છે.