દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતો યુવાન તેની ખેતીની જમીનમાં વિજ કનેકશનના પોલ ખોડવાની બાબતે આઠ શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર લાકડાના ધોકા વડે બેફામ માર મારી જીવલેણ હુમલો કર્યાની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જીગ્નેશભાઈ રણમલભાઈ નકુમ નામના 26 વર્ષના સતવારા યુવાનની ખેતીની જમીનમાં વીજ કનેક્શનના પોલ ખોડવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા કાના દેવજીભાઈ નકુમ, મનજી દેવજીભાઈ નકુમ, રણછોડ શામજીભાઈ નકુમ, દિનેશ શામજીભાઈ, માધા હીરાભાઈ, કિશોર પોપટભાઈ, ભાવેશ મનજીભાઈ અને રમેશ દેવજીભાઈ નામના આઠ શખ્સોએ સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી જીગ્નેશભાઈ તથા સાહેદને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાના ઈરાદાથી લાકડાના ધોકા વડે બેફામ ઘા ફટકાર્યા હતા. જેથી જીજ્ઞેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ સાહેદને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ આઠ શખ્સો સામે આઈપીસી કલમ 307, 324, 325, 323, 143, 147, 148, 149, 504 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.