જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં લાંબધાર વિસ્તારમાં માતાજીના મંદિર નજીક પુત્રી બે વર્ષથી રીસામણે હોવાના મનદુ:ખનો ખાર રાખી રવિવારે બપોરના સમયે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં છરીના ઘા ઝીંકી બોલેરોની ઠોકર મારી છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી હતી. આ મારામારીમાં બંને પક્ષે સામસામો હુમલો કરાયાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના માલવડાનેશ વાડી વિસ્તારમાં રહેતા તથા માલધારીનો વ્યવસાય કરતા પાલાભાઈ સાજણભાઈ ટાપરીયાના પુત્ર વિરા પાલા ટાપરીયાના લગ્ન વિસાવદરના લાલપર ગામના માંડણ આલા વિરમની પુત્રી સાથે થયા હતાં અને ત્યારબાદ બે વર્ષથી યુવતી રીસામણે બેઠી હતી. દરમિયાન વિરપર ગામમાં લાંબધાર તરીકે ઓળખાતી જગ્યામાં જાણધરી માતાજી મંદિર પાસે રવિવારે બપોરના સમયે બંને પક્ષો ભેગા થયા હતાં. તે દરમિયાન પુત્રી રીસામણી બેઠી હોવાનો ખાર રાખી નાથા માંડણ વિરમ, પુના માંડણ વિરમ, રાજુ ઉર્ફે રાજો માંડણ વિરમ અને માંડણ આલા વિરમ નામના પિતા અને ત્રણ પુત્રોએ એકસંપ કરી વિરા પાલા ટાપરીયા (ઉ.વ.26) ઉપર છરીના આડેધડ ઘા ઝીંકયા હતાં તેમજ રાજુ માંડણે બોલેરો કારથી ઠોકર મારી હતી તથા નાથા માંડણે છરીના ઘા ઝીંકયા હતાં. ઉપરાંત માંડણ આલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં માંડણ સામતને છરીના ઘા ઝીંકયા હતાં તેમજ વીજસુર ઉપર પણ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો.
સામાપક્ષે પાલા સાજણ ટાપરીયા, વીજસુર પાલા ટાપરીયા, માંડણ સામત ટાપરીયા, જીવા સામત ટાપરીયા નામના માલવડાનેશમાં રહેતાં ચાર શખ્સોએ વળતો હુમલો કરી ઉશ્કેરાઈને છરી વડે તથા લાકડીઓ વડે આડેધડ માર મારી હુમલો કરતા પુના માંડણ સહિતનાને ઈજા પહોંચી હતી. બંને પક્ષ દ્વારા સામસામા સશસ્ત્ર હુમલામાં વિરા પાલા ટાપરીયા, વીજસુર, માંડણ સામત, પુના માંડણ સહિતનાને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન વીરા પાલા ટાપરીયા (ઉ.વ.26) નામના યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. તેમજ માંડણ સામતને ગંભીર ઈજા પહોંચી હતી. આ પ્રકરણમાં પોલીસે પાલા સાજણ ટાપરીયાના નિવેદનના આધારે પિતા અને ત્રણ પુત્રો સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ચાર શખ્સો સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. અને સામા પક્ષે માંડણ આલા વિરમના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધી પીએસઆઇ વી.એન. ગઢવી તથા સ્ટાફે તપાસ આરંભી હતી અને વિરપર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.