કાલાવડ-જૂનાગઢ હાઈ-વે રોડ પર દાણીધાર ગામના પાટીયા પાસે ટ્રેકટરે મોટરસાઈકલને ઠોકર મારતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રેકટરચાલક નાશી જતાં પોલીસ દ્વારા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢના વંથલી તાલુકાના નગડિયા ગામમાં રહેતા ગોપાલભાઈ ગોવિંદભાઈ કાનગડ ગત તા.3 એપ્રિલના રોજ પોતાનું જીજે-10-ડીએચ-4759 નંબરનું મોટરસાઈકલ ટોડા ગામથી જામનગર તરફ જતા હતાં ત્યારે કાલાવડ-જૂનાગઢ હાઈવે પર દાણીધાર ગામના પાટીયા પાસે પહોંચતા જીજે-10-સીએન-0605 નંબરના ટ્રેકટર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના મોટરસાઈકલ સાથે ટ્રેકટર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ફરિયાદીને પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ટ્રેકટર ચાલક ત્યાંથી નાશી ગયો હતો. આ અંગે ગઈકાલે ગોપાલભાઈ કાનગડ દ્વારા ટ્રેકટરચાલક વિરૂધ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.