ભાણવડ તાલુકાના ટીંબડી ગામે નિષ્ઠુર જનતાએ નવજાત બાળકીને ત્યજી દેતા કુતરાઓેએ બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષની લાગણી સાથે અરેરાટી ફેલાઈ હતી. આ અંગે પોલીસ દ્વારા અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.
અહીં પડેલા નવજાત બાળક (સ્ત્રી)ને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચરએ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.