ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જાણીતા અગ્રણી બહાદુરસિંહ વાઢેર સુપુત્ર જયભદ્રસિંહના ભાવનગર ખાતે યોજવામાં આવેલા લગ્ન માટે આજરોજ સવારે તેમના વતન કાઠી દેવળીયા ગામેથી હેલિકોપ્ટર મારફતે વેલનું પ્રસ્થાન થયું હતું. જે પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામના અગ્રણી તેમજ ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ હરિસિંહ વાઢેર (વાઢેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. વારા) તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબા વાઢેરના સુપુત્ર જયભદ્રસિંહ વાઢેરના લગ્ન હાલ ભાવનગર નિવાસી અ.સૌ. ધર્મિષ્ઠાબા તથા અશોકસિંહ ઉમેદસિંહ ગોહિલના સુપુત્રી ચી. ડો. અંજલીબા સાથે આગામી મંગળવાર તારીખ 28-11-2023 ના રોજ યોજવામાં આવ્યા છે.
જાણીતા અગ્રણી તથા દાતા સદગૃહસ્થ ભીખુભા હરિસિંહ વાઢેરના ભત્રીજા જયભદ્રસિંહ વાઢેરના લગ્ન માટેનું વેલ પ્રસ્થાન શનિવારે સવારે 9:30 વાગ્યે અહીંના કાઠી દેવળીયા ગામે આવેલી સમાજ વાડી ખાતેથી થયું હતું. ત્યારે આ વેલનું ભવ્ય પ્રસ્થાન હેલિકોપ્ટર મારફતે ભાવનગર તરફ થતા આ પ્રસંગે તેને નિહાળવા નાના એવા કાઠી દેવળીયા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા.
આ પ્રસંગે સોમવારે સવારે મંડપ રોપણ, ફૂલેકાના કાર્યક્રમો બાદ મંગળવારે રાત્રે 9:15 વાગ્યે કોકીલકાંઠા કલાકાર લલીતાબેન ઘોડાદરાના સ્વર સાથે પરિવારજનો, આગેવાનો, હોદ્દેદારો વિગેરેની ઉપસ્થિતિ વચ્ચે હસ્તમેળાપ સહિતના વિવિધ કાર્યક્રમો પણ ભવ્ય રીતે યોજાયા છે.