ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર તરૂણને આંતરીને યુવતી ઘરેથી ચાલ્યા ગયાના પ્રકરણમાં બે શખ્સોએ ગાળો કાઢી ગુપ્તભાગે માર મારી છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાની સામ સામી ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર સાંકેત હોસ્પિટલ વાળી ગલીમાં રહેતા અકીલ અજીજભાઈ ગજણ નામના 17 વર્ષના તરૂણના પરિવારની એક યુવતી ઘરેથી જતી રહી હોય, આ પ્રકરણમાં આરોપી આકીબ હાસમ ઉઢાર નામના શખ્સનું નામ કહેવાતું હોવાથી આ અંગેનું મનદુ:ખ રાખી અને આરોપી આકીબ હાસમ તેમજ ફારુક જુસબ ઉઢાર નામના બે શખ્સોએ મોટરસાયકલ પર આવી અને તેમને અહીંના ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ ફાટક પાસે રોક્યો હતો.
બંને આરોપીઓ દ્વારા ફરિયાદી અકીલને બિભત્સ ગાળો કાઢી અને ગુપ્ત ભાગે લાત મારી, છરી વડે હુમલો કરતા આ અંગે ખંભાળિયા પોલીસે આરોપી આકીબ હાસમ અને ફારુક જુસબ સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2), 114 તથા જી.પી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, બંનેની અટકાયત કરી લીધી હતી. સામા પક્ષે ફારૂક જુસબભાઈ ઉઢાર નામના 32 વર્ષના યુવાન દ્વારા અજીજ આમદ ગજણ, ઈકબાલ આમદ ગજણ અને હાસમ ધારાગઢિયા નામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી ફારુકભાઈ પોતાના ઘર પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓએ પોતાના હાથમાં લાકડાના ધોકાઓ લઈને આવ્યા હતા અને તેમને કહેલ કે ‘તું અમારી દીકરીને ભગાડવામાં તારો હાથ છે.’ એમ કહી, હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પણ પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ કરવામાં આવી છે.