ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતાં વૃધ્ધ ખેડૂત તેના બાઈક પર લૈયારાથી સણોસરા ગામે લૌકિક કામ માટે જતા હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા વૃધ્ધને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતાં રાજેન્દ્રસિંહ મુળુભા જાડેજા (ઉ.વ.60) નામના ખેડૂત એક માસ અગાઉ તેના જીજે-10-એકયુ-7505 નંબરના બાઈક પર સણોસરા ગામે લૌકિક કામે સવારના સમયે જતાં હતાં તે દરમિયાન સણોસરા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલી જીજે-23-સીઈ-1111 નંબરની કારના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં વૃધ્ધને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.