જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતાં યુવકની પત્ની બીજા માણસોને રાખીેને બેઠી હોવાની ખોટી શંકા સંદર્ભે સમજાવવા જતાં યુવક ઉપર સગા ભાઈ-ભાભીએ જેમ ફાવે તેમ ગાળો કાઢી પ્લાસ્ટિકની નળી અને લોખંડની તવી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેશ રમેશ મકવાણા નામના યુવાનની પત્ની ગામમાં કામ કરવા જાય છે જે બીજા માણસોને રાખીને બેઠી છે. તેવા ખોટા શક અને વહેમ યુવાનના ભાઈ – ભાભી રાખતા હોવાથી નરેશ મંગળવારે સવારે તેના ભાઈ-ભાભીને સમજાવવા ગયો હતો તે સમયે સુનિલ રમેશ મકવાણા, મનિષાબેન સુનિલ મકવાણા, બુધ્ધિબેન કેશુ મકવાણા નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી નરેશ ઉપર પ્લાસ્ટિકની નળી અને લોખંડની તવી વડે હુમલો કર્યો હતો. પતિ ઉપર હુમલો થતા પત્ની કાજલબેન પતિને છોડાવવા વચ્ચે પડતા તેને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો અને મુંઢ માર મારી ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે નરેશભાઈના નિવેદનના આધારે તેના જ સગા ભાઈ-ભાભી સહિતનાઓ સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.