જામનગરથી માટેલ દર્શનાર્થે જતાં પદયાત્રી સંઘમાં ચાલીને જતા પ્રૌઢને ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા બાઈકચાલકે ઠોકર મારી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગરમાં વિભાપુર રોડ પર આવેલા પ્રગતિપાર્કમાં રહેતા દિપકભાઈ બારડ નામના પ્રૌઢ આઈશ્રી ખોડિયાર મિત્ર મંડળ સંઘ સાથે જામનગરથી માટેલ પદયાત્રા કરી દર્શનાર્થે જવા રવાના થયા હતાં. આ સંઘ ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક પહોંચ્યો ત્યારે બુધવારે સાંજના 7 વાગ્યાના અરસામાં પૂરપાટ આવી રહેલા એમ.પી.09. એમકયુ. 4096 નંબરના બાઈકચાલકે દિપકભાઈને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા રોડ પર પટકાયેલા પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રવિભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


