Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારભાટિયામાં નિવૃત્ત આર્મીમેનના રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

ભાટિયામાં નિવૃત્ત આર્મીમેનના રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

પરવાનાવાળા હથિયાર તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ ચોરાયો : પોલીસ તપાસનો ધમધમાટ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ કેશોદ તાલુકાના વતની એવા એક નિવૃત્ત આર્મીમેનના રહેણાંક મકાનમાં ગત તારીખ 9 મી ના રોજ તસ્કરોએ ખાતર પાડી, આ મકાનમાં રાખવામાં આવેલી બાર બોરની બંદૂક તેમજ રોકડ સહિત આશરે રૂપિયા અડધા લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ધેડ બામણાસા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી શિવમ સોસાયટી નંબર 2 ખાતે રહેતા નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા નામના 52 વર્ષના આહિર આધેડ થોડા સમય પૂર્વે ભારતીય સેનામાં ફરજ બજાવી અને નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાટિયામાં આવેલી એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવી રહ્યા છે.

થોડા દિવસ પૂર્વે નરેન્દ્રભાઈ કરંગીયાના પત્ની તેમના પિયર ગયા હતા અને ગત તારીખ 9 ના રોજ નરેન્દ્રભાઈ કરંગીયા રાત્રિના સમયે તેમની સિક્યુરિટી તરીકેની ફરજ (નોકરી) પર જઈને શનિવારે સવારે આઠ વાગ્યે પરત ફર્યા હતા. નોકરી પરથી પરત ફરીને જોતા તેમના રહેણાંક મકાનના મેઈન દરવાજાનો નકુચો તૂટેલો હતો અને અંદરનો માલ સામાન વેર વિખેર જોવા મળ્યો હતો.

- Advertisement -

અહીં જોતા કોઈ તસ્કરોએ અંદર અપ પ્રવેશ કરી અને રૂમમાં આવેલા મંદિર નીચેના કબાટના ખાનામાં રહેલી થેલીમાં રાખવામાં આવેલા રૂપિયા 27,500 તેમને જોવા મળ્યા ન હતા. વધુ તપાસમાં ઘરમાં રાખવામાં આવેલી રૂપિયા વીસ હજારની કિંમતની બાર બોર પરવાનાવારી બંદૂક પણ ઘરમાંથી ચોરાઈ હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કોઈ તસ્કરો પરવાના વાળા હથિયાર તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 47,500 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ઉપરાંત એલ.સી.બી. પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.ઓ.જી. સ્ટાફ તેમજ કલ્યાણપુર પોલીસ કાફલો આ સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કવોડની સેવાઓ મેળવી, સીસીટીવી કેમેરા ચેક કરી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે નિવૃત્ત આર્મીમેન નરેન્દ્રભાઈ કરંગીયાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 457, 454 તથા 380 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાઈ.એસ.પી. પ્રજાપતિના વડપણ હેઠળ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular