Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલે સરીતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રનો શુભારંભ

જામનગરમાં આવતીકાલે સરીતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રનો શુભારંભ

મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે થશે ઉદઘાટન : ગૌસંવર્ધન કેન્દ્રમાં 200 થી વધુ મોટી ગાયો તથા 50 થી વધુ વાછરડાઓ : ગૌશાળામાં શુધ્ધ ઘી, દૂધનું ઉત્પાદન : ગાયોને ઋતુ અનુસાર ખોરાક આપવા સહિતની સુવિધાઓ

- Advertisement -

જામનગરના વીજરખી ડેમ પાસે મિયાત્રા ગામ ખાતે સરીતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે સાંજે 04 વાગ્યે મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ગૌશાળાનું જામનગરના ધર્મેન્દ્રભાઈ કારાવદરા દ્વારા કેન્દ્ર સરકારની સબસીડી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર પ્રોજેકટ અંગે માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

આ અંગે માહિતી આપતા ધર્મેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે, ગૌ આધારિત સ્વસ્થ માનવ જીવન, ગૌસંવર્ધન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તથા ગૌઆધારિત પ્રવાસનના નેસર્ગિક વાતાવરણમાં આ સરીતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જે સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન ડીપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બેન્ડરી એન્ડ ડેયરીંગ અંતર્ગત આવે છે. આ ગૌશાળા શહેરથી દૂર કુદરતી વાતાવરણમાં પહાડોની વચ્ચે નિર્માણ કરાયું છે. ગૌશાળામાં જે શેડનું નિર્માણ કર્યુ છે તેમાં ઇન્સ્યુલીન પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બહાર કરતા અંદરનું તાપમાન 8 થી 9 ડિગ્રી જેટલું ઓછું રહે છે. તેમજ સમગ્ર સ્ટ્રકચર ગેલ્વેનાઈઝ પાઈપથી બનાવ્યું છે. તેમજ માખી મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે મસ્કીટો કીલર મશીન પણ લગાડવામાં આવ્યા છે. ગાયોના દૂધ અને મેડીકલનો રેકર્ડ રાખવામાં ડીજીટલ સોફટવેરનો ઉપયોગ કરાય છે. તેમજ દરેક ગાયનું ટેગીંગ પણ કરવામાં આવ્યું છે. હાલ ગૌશાળાનો 200 થી વધુ મોટી ગાયો તેમજ 50 થી વધુ વાછરડીઓ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૌશાળામાં ઉત્પાદન થતું દૂધ જામનગર શહેર, નયારા ટાઉનશીપ તથા રિલાયન્સ ગ્રીન ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે દૂધ ગ્લાસની બોટલોમાં સીલ કરી દૂધબેગમાં નાખી પહોંચાડવામાં આવે છે. તેમજ ગાયોને ઋતુ અનુસાર અલગ અલગ ખોરાક પૂરો પાડવામાં આવે છે. જેમાં શિયાળો હોય તો ઠંડીને લઇ ગાયનું પેટ ગરમ રહે તે મુજબ માંડવીનો પાલો, સુકો ઘાસચારો વધુ આપવામાં આવે છે અને ઉનાળો હોય તો ગાયનું પેટ ઠંડુ રાખવા માટે વધારો પડતો લીલો ચારો અને વરસાદના સમયે ગાયને ઠંડી ના લાગે તે મુજબ ગરમ ખોરાક પૂરો પાડવામાં આવે છે તેમજ ગાયોને ચારો કટીંગ કરીને આપવામાં આવે છે. જેથી ગાયને ખાવામાં સુવિધા રહે અને 30% જેવો બગાડ થતો અટકે છે. કોઇપણ ગાય બિમાર પડે તો તાત્કાલિક સારવાર માટે ડોકટર, મેડીસીન તથા ઈમરજન્સી સાધનો પણ રાખવામાં આવ્યા છે.

- Advertisement -

આ ગૌ સંવર્ધન કેન્દ્રનું પાંચ એકર જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ચારા માટે 100 ફૂટ  27 ફૂટ  20 ફૂટ કોલમ બીમવાળુ પાકુ ગોડાઉન બનાવ્યું છે. જેથી વાવાઝોડા કે અતિવૃષ્ટિના સમયે પણ ગાયોને ખવડાવવાનો ચારો બગડે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહે. આ ઉપરાંત ગાયોને અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ વાડાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે સમયની જરૂરિયાત હોય તે મુજબ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ અલગ અલગ રસિકરણ કરવામાં આવે છે. પ્રેગ્નેટ ગાયો માટે અલગ વાડાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી તેને અનુરૂપ ગાયોનો ખોરાક મેનેજ કરી શકાય. આથી ગાય અને આવનારી વાછરડી હેલ્ધી રહે તથા વ્યાજણ માટે અલગ વાડો રાખવામાં આવ્યો છે. જેમાં ગાય અને વાછરડી 12 દિવસ સુધી સાથે રહે છે. ગૌશાળાની સુવિધા માટે ઇમરજન્સી લાઈટીંગ માટે ઓટોમેટિક સાયલન્ટ જનરેટર પણ વસાવવામાં આવ્યું છે. ગૌશાળામાં શ્રેષ્ઠ દુધાળુ વાછરડીઓના ઉછેર માટે આઈવીએફ અને સેકસસીમેનથી ઉચ્ચ કવોલીટીવાળુ દૂધાળુ ગીર બીટ તૈયાર કરવામાં આવે છે તેમજ શુધ્ધ ઘી બનાવવા માટે જૂની પદ્ધતિ મુજબ રીવર્સ ફોરવર્ડ, ઓટોમેટીક વલણોનો ઉપયોગ કરવામાં આવે છે. જે શુધ્ધ ઘી ઓલ ઓવર ઈન્ડીયામાં પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત થોડા સમયમાં અલગ અલગ દેશોમાં ગાય આધારિત પ્રોડકટસ એકસપોર્ટ કરવામાં આવશે. આ ગૌશાળાના એમ.ડી. ધર્મેન્દ્રભાઈ કારાવદરાને વર્ષ 2017 માં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ પણ મળ્યો છે.

આવતીકાલે યોજાનારા સંકુલના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા પંચાયત જામનગરના મયબેન ગરચર, ધારાસભ્યો રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીજી ગુ્રપના ડાયરેકટર મિતેશભાઈ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular