જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે નાગરિકો માટે જરુરી તમામ વ્યવસ્થાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની સુવિધા, માર્ગદર્શન, તડકો ન લાગે તે માટે શેડ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે દિવ્યાંગ મતદારોને લઇ આવવા લઇ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે.
જામનગરના ૭૩ વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિક હર્ષવર્ધન ઓઝા પોતાનો કિંમતી મત આપીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. ત્યારે હું વરિષ્ઠ અને દિવ્યાંગ લોકોને ખાસ મતદાન કરવા માટે અપીલ કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં દિવ્યાંગો દ્રારા સંચાલિત ૫ મતદાન મથકો રાખવામાં આવ્યા છે જેમાં ૭૭-માવાપર, ૭૫- બેડી-૫, ૧૬૯-જામનગર(ખંભાળિયા હાઈવે), ૨૨-જામનગર(કૃષ્ણનગર મેઈન રોડ), ૮૧-લાલપુર-૧૧ નો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં કુલ ૧૦૨૦૪ દિવ્યાંગ મતદારો નોંધાયા છે.