વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખ જેટલી મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી.જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ, લાલપુર, જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ પણ યોજાયો હતો.જેમાં જાંબુડા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિવિધ સ્વ સહાય જૂથની મહિલાઓને લોન સહાય ચુકવવામાં આવી હતી. સાથે સાથે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.
ઉપસ્થિત મહિલાઓને પરિશ્રમ, ત્યાગ, લાગણી અને શક્તિના મૂર્તિ સ્વરૂપ દર્શાવી સંબોધનની શરૂઆત કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની શક્તિને પારખી નવી દિશા આપી છે. મહિલા શશક્તિકરણના તમામ પ્રયાસો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય તથા દેશ આગળ વધી રહ્યા છે.પરિવારના પાલન પોષણમાં પોતાની જાતને હોમી દેનાર મહિલાઓને જો યોગ્ય મંચ નહીં મળે તો દેશમાં સર્વાંગી વિકાસ ક્યારેય શક્ય નહીં બને અને તેથી જ આજે સરકાર બેટી બચાઓ-બેટી પઢાઓ, સખી મંડળો, અભયમ મહિલા હેલ્પલાઈન, માં વાત્સલ્ય, અન્નપૂર્ણા યોજના, મહિલા આરક્ષણ સહિતની અનેક મહિલા શશક્તિકરણની યોજનાઓ અને બાબતો અમલમાં મૂકી મહિલાઓના વિકાસમાં ભાગીદાર બની મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં કાર્ય કરી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાના ૭ સ્વસહાય જૂથોને રૂ.૨.૧૦ લાખ રીવોલ્વીંગ ફંડ, ૩૩ સ્વસહાય જૂથોને રૂ.૩૬.૦૦ લાખ કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ, ૨૨૩ સ્વસહાય જૂથો/ગ્રામ સંગઠનોને રૂ.૨૭.૩૩ લાખ સ્ટાર્ટઅપ ફંડ, ૩૩ સ્વસહાય જૂથોને રૂ.૬૯.૫૦ લાખ ક્રેડિટ મળીને કુલ ૨૯૬ જુથોને રૂ.૧૩૪.૯૩ લાખ લોન સહાય ચુકવવામાં આવી હતી.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ શાબ્દીક સ્વાગત વડે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. સ્વ સહાય જૂથની લાભાર્થી મહિલાઓએ આ તકે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા જયારે કાર્યક્રમ પૂર્વે હરીદેવભાઈ ગઢવી તથા તેમની ટીમે ભવ્ય લોક ડાયરો રજૂ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ રસિલાબેન ચનીયારા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કેશુભાઈ લૈયા, આગેવાન સર્વે ધરમશીભાઈ ચનીયારા, રમેશભાઈ મુંગરા, ચંપાબેન પરમાર, પ્રવીણભાઈ પરમાર, કમલેશભાઈ ધમસાણીયા, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, ભાવનાબેન ભેંસદડીયા, સુધાબેન વિરડીયા, સૂર્યકાન્ત મઢવી, કાજલબેન સંઘાણી, ભરતભાઈ દલસાણીયા, મીનાબેન નંદાસણા સહિત બહોળી સંખ્યામાં સ્વ સહાય જૂથોની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.