જામનગર શહેર નજીક આવેલા રણજીતસાગર ડેમ પર રવિવારે સાંજે ફરવા ગયેલ દંપતિ સેલ્ફી લેતા સમયે સગર્ભા પત્ની પાણીમાં પડી જતાં પતિએ પણ પાછળ ઝંપલાવ્યું હતું. જો કે ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી જઇ બન્નેને બચાવી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ ઉત્તરપ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતો મોહિત પાંડે અને તેની પત્ની પ્રતિમાબેન પાંડે તથા તેના ચાર વર્ષના સંતાન સાથે રવિવારે સાંજે રણજીતસાગર ડેમ પર ફરવા ગયા હતાં. જ્યાં સાંજના સમયે ડેમના પાળા ઉપરથી સેલ્ફી લેવા જતા સમયે ગર્ભવતી પ્રતિમાબેન પાંડેનો પગ લપસી જતાં ડેમમાં ખાબક્યા હતાં. પત્નીને પાણીમાં પડી જતી જોઇ પતિ મોહિતે પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, ડેમમાં પડેલા પતિ-પત્ની ડેમના કાંઠે પડી રહ્યાં હતાં. તે દરમ્યાન બનાવની જાણના આધારે જામનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક રણજીતસાગર પહોંચી ગઇ હતી અને એક પછી એક પતિ-પત્નીને બહાર કાઢ્યા હતાં. ડેમમાં પડવાથી ઇજાગ્રસ્ત દંપતિને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.