જામનગર શહેરના ઉદ્યોગનગર પાણખાણ વિસ્તારમાં રહેતા યુવાનના પુત્રની સાઇકલ અડી જવાની બાબતે કાર સરખી રીતે ચલાવવાનું કહેતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકા પાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે એટ્રોસીટી હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખાખીનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો રમેશભાઇ મુળજીભાઇ સિંગરખીયા નામના યુવાનનો પુત્ર ભાવિક બુધવારે સાંજના 6-30 વાગ્યાના અરસામાં ઉદ્યોગનગર પાણાખાણ શેરી નં. 1માં આવેલા કારખાના પાસે સાયકલ લઇને જતો હતો તે દરમ્યાન પસાર થતી કારમાં સાયકલ અડી જતાં ભાવિકે કાર વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ગોવિંદ મારાજ, અંકિત મારાજ અને અજય પીઠડીયા નામના 3 શખ્સોએ એક સંપ કરી રમેશભાઇ ઉપર લોખંડનો પાઇપ ફટકારી તેના પુત્ર ભાવિક તથા અન્ય વ્યકિતને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ રમેશ પરમારને પણ માર માર્યો હતો. હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં રમેશભાઇના નિવેદનના આધારે શહેર ડીવાયએસપી દેવેન ઝાલા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
જયારે સામાપક્ષે વાહનની બાબતે અંકિત રઘુરામ દુધરેજીયા નામના યુવકને તેના મિત્ર બચાવવા જતા ભાવિક રમેશ સિંગરખીયા અને રમેશ મુળજી સિંગરખીયા નામના પિતા પુત્રએ અંકિત અને તેના પિતરાઇ જયદિપ તથા મિત્ર અજય ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેના આધારે પીએસઆઇ એ.એમ. સિસોદીયા તથા સ્ટાફે અંકિતના નિવેદનના આધારે ભાવિક અને તેના પિતા રમેશભાઇ વિરૂધ્ધ મારામારીનો ગુન્હો નોંધી બન્ને પક્ષની સામસામી ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી.