જામનગર ખાતે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી ખંભાળિયા ખાતે રહેતા તેણીના એક સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવી હતી. તારીખ 23 જાન્યુઆરી 2022 ના દિવસે આ સ્થળે આવેલા આ સગીરાના પરિવારના મનાતા ભાઈ એવા રાજેશ ઉર્ફે રાજુ પબાભાઈ ધારાણી નામના પરિણીત શખ્સ દ્વારા આ સગીરાને વોટસએપ મેસેજ કરી અને તેણીને ઉપરના બીજા માળે બોલાવી હતી. ત્યાં આરોપી એવા પરણિત શખ્સ દ્વારા તેની કુટુંબી બહેન સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ બનાવથી હતપ્રભ થઈ ગયેલી સગીરાએ આબરૂ જવાના ડરથી આ બનાવની જાણ કોઈને કરી ન હતી. પરંતુ અભ્યાસમાં ગુમસુમ રહેતી આ સગીરાને શિક્ષકે કારણ પૂછતા બનાવવા પ્રકાશમાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી રાજેશ ઉર્ફે રાજુ પબા ધારાણી (રહે. પાંચ હાટડી ચોક, કંસારા શેરી) સામે પોકસો એક્ટ સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી અને એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી રાજેશ ઉર્ફે રાજુ ધારાણીને ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી સગીરાના સામાજિક, માનસિક અને આર્થિક પુનર્વસન માટે વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ હેઠળ રૂ. એક લાખનું વળતર ચૂકવવા પણ વધુમાં હુકમ કર્યો છે.