Sunday, December 22, 2024
Homeખબર સ્પેશીયલવર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાલારની સાત બેઠક ઉપર 10,06,969 મતો પૈકી 15,512...

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાલારની સાત બેઠક ઉપર 10,06,969 મતો પૈકી 15,512 મતો નોટામાં

જામજોધપુર વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 3214 મતો તથા ખંભાળિયા વિધાનસભા બેઠકમાં સૌથી ઓછા 962 મતો નોટામાં : મુખ્ય બન્ને રાજકીય પક્ષો બાદ સૌથી વધુ મતો નોટામાં પડયા

- Advertisement -

આગામી તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા-2022 ની ચૂંટણી માટે બે તબકકામાં મતદાન યોજાનાર છે. ત્યારે ગત 2017 વિધાનસભાની ચૂંટણીમાં અનેક મતદારોએ મુખ્ય બન્ને રાજકીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો પસંદ ન આવતા ”નન ઓફ ધ અબોવ (નોટા)” ઉપર પસંદગી પસંદગી ઉતારી હતી. હાલારની સાત વિધાનસભાની બેઠકની વાત કરીએ તો વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10,06,154 મત પડયા હતાં.  જે પૈકી 15,512 મતો નોટામાં પડયા હતાં. આ વખતે યોજાનાર વિધાનસભાની  ચૂંટણીમાં પણ નોટાનો વિકલ્પ કોઇપણ ઉમેદવારની બાજી બગાડી શકે છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીને અનુલક્ષીને જામનગર સહિત હાલાર પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે ભાજપા દ્વારા 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો આ સાથે કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપા-કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે. જ્યારે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આ ત્રિપાંખીયા જંગની સાથે સાથે નોટા પણ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોના ભાવિ નકકી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આગામી તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ બન્ને તબકકાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે ત્યારે નોટા નિર્ણાયક બનશે કે શું ? તે જોવું રહ્યું.

જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરની બન્ને બેઠકો ઉપર આ વખતે ભાજપાના નવા ઉમેદવારો છે. ભાજપામાં જામનગર ઉત્તર બેઠક ઉપર મહિલા ઉમેદવાર છે. તો બીજી તરફ જામનગર દક્ષિણ બેઠક ઉપર યુવા ઉમેદવાર છે. આ વખતે જામનગર ઉત્તર બેઠક ઉપર ભાજપાના રીવાબા જાડેજા, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા તથા આપના કરશન કરમુર વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. જ્યારે જામનગર દક્ષિણ બેઠક ઉપર ભાજપાના દિવ્યેશ અકબરી, કોંગ્રેસના મનોજ કથીરિયા અને આપ ના વિજય ત્યાગી ચૂંટણી જંગમાં છે. આ બન્ને બઠકો ઉપર સિટીંગ ધારાસભ્યો નથી. ત્યારે જામનગર શહેરની બન્ને બેઠકના મતદારો નવા ઉમેદવારોને પસંદ કરે છે કે પછી નોટા ઉપર પસંદગી ઉતારી નારાજગી વ્યકત કરી નવા ઉમેદવારોની બાજી બગાડે છે તે 8 ડિસેમ્બરે જ ખબર પડશે.

- Advertisement -

ગત વિધાનસભાની ચૂંટણી 2017 માં યોજાઈ હતી. ત્યારે નોટાનો લોકોએ ઉપયોગ કરી પોતાની નારાજગી વ્યકત કરી હતી. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક 79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક, જામજોધપુર વિધાન સભા બેઠક તથા દ્વારકા વિધાનસભા બેઠક ઉપર ભાજપા કોંગ્રેસના મુખ્ય બન્ને રાજકીય પક્ષ બાદ નોટાને સૌથી વધુ મત મળ્યા હતાં. અપક્ષ ઉમેદવારો કરતાં પણ નોટામાં વધુ મતો પડયા હતાં. આમ આ વખતે યોજાનાર ચૂંટણીમાં પણ મતદારો નોટાનો ઉપયોગ કરી કોઇપણ ઉમેદવારની બાજી બગાડી શકે છે. ગત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક  તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠકોમાં કુલ 10,06,154 મતો પડયા હતાં. જેમાંથી 15,512 મતો નોટામાં પડયા હતાં. જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ 3214 મતો નોટામાં  પડયા હતાં. તો ખંભાળિયા વિધાનસભાની બેઠક ઉપર સૌથી ઓછા 962 મતો નોટામાં પડયા હતાં.

જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક ઉપર કુલ 1,31,351 મતો પડયા હતાં. જે પૈકી નોટામાં 2736 મતો પડયા હતાં. જે કુલ મતદાનના 2.08 ટકા મતો હતાં. ભાજપા અને કોંગ્રેસ મુખ્ય બે રાજકીય પક્ષો બાદ ત્રીજા નંબરે નોટા રહ્યું હતું. અન્ય રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો કરતા પણ વધુ મતો નોટામાં પડયા હતાં. જામનગર જિલ્લાની જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,48,056 મતો પડયા હતાં જે પૈકી 1523 મતો નોટામાં પડયા હતાં. જે કુલ મતદાનના 1.03 ટકા હતાં. આ બેઠક ઉપર કુલ 27 ઉમેદવારો હતાં જેમાં નોટાના મતો ચોથા નંબરે રહ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર કુલ 1,43,054 મતો પડયા હતાં. જે પૈકી 1538 મતો નોટામાં રહ્યાં હતાં. જે કુલ મતદાનના 1.08 ટકા મતો હતાં. જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપર કુલ 1,33,203 મતો પડયા હતાં. જે પૈકી 2326 મતો નોટામાં પડયા હતાં. જે કુલ મતદાનના 1.75 ટકા હતાં. આ વિધાનસભા બેઠકમાં પણ મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપા અને કોંગ્રેસ બાદ સૌથી વધુ મતો નોટામાં રહ્યાં હતાં. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવારો હતા. જેમાં ત્રીજા નંબરે નોટા રહ્યું હતું.

નોટામાં સૌથી વધુ મતો જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર રહ્યાં હતાં. જામજોધપુર વિધાનસભામાં કુલ 1,35,466 મતો પડયા હતાં. જે પૈકી 3214 મતો નોટામાં પડયા હતાં જે કુલ મતદાનના 2.37 ટકા મતો હતાં. આ બેઠક ઉપર પણ મુખ્ય બે રાજકીય પક્ષો બાદ સૌથી વધુ મતો નોટામાં રહ્યાં હતાં.

નોટામાં સૌથી ઓછા મતો ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર પડયા હતાં.  ખંભાળિયા વિધાનસભા બેઠકમાં કુલ 1,59,606 મતો પડયા હતાં. જે પૈકી 962 મતો નોટામાં પડયા હતાં.જે કુલ મતદાનના 0.60 ટકા મતો હતાં. જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક ઉપર કુલ 1,15,418 મતો પડયા હતાં. જેમાંથી 3213 મતો નોટામાં પડયા હતાં જે કુલ મતદાનના 2.07 ટકા મતો હતાં.

— સૂચિત બારડ (ખબર ગુજરાત)

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular