ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો BJPમાં સામેલ થઈ શકે છે. BJPના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના પૂર્વ ઈખ દિગંબર કામત સહિત 8 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થશે. કોંગ્રેસના પૂર્વ CM દિગંબર કામત સહિત માઈકલ લોબો, દલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલેક્સી સિકેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિઝ આજે ભાજપમાં સામેલ થશે.
ગોવા બીજેપી પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે છે કોંગ્રેસે દેશભરમાં ફરી સત્તા હાંસલ કરવા ભારત જોડો યાત્રા યોજી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતા દેશભરમાં 150 દિવસની 3,570 કિમીની યાત્રા યોજી છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે. 40 વિધાનસભાની સીટો વાળી ગોવામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી બીજેપી ગઠબંધનના 25 ધારાસભ્યો છે અને કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. પરંતુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો છે કે, 11માંથી 8 ધારાસભ્યો તેમની પાર્ટીમાં સામેલ થશે.
માર્ચમાં સરકાર બન્યા બાદ ગોવામાં બીજી વખત આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ જુલાઈમાં કોંગ્રેસના 11માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવા માટે પક્ષ બદલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, કોંગ્રેસે યોગ્ય સમયે સક્રિયતા બતાવીને આ બળવો અટકાવ્યો હતો. તે સમયે કોંગ્રેસના ધારાસભ્યો દિગંબર કામત, માઈકલ લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક અને ડેલીલા લોબો બળવાખોર હોવાની ચર્ચા હતી. જો કે, કોંગ્રેસે માઈકલ લોબોને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ વિપક્ષના નેતા પદ પરથી હટાવ્યા હતા. આ પહેલી વાર નથી કે, જ્યારે કોંગ્રેસને આ પ્રકારનો ઝાટકો લાગ્યો હોય. આ અગાઉ ગોવામાં છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે, 2017માં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. પરંતુ 13 બેઠકો હોવા છતાં બીજેપી ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી હતી. 2019માં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો હતો ત્યારે પાર્ટીના 10 ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ વધુ બે ધારાસભ્યો બીજેપીમાં સામેલ થયા હતા.