કેરીની આવક તો ફળબજારમાં એક મહિનાથી થઇ રહી છે. આફુસ, લાલબાગ અને તોતાપુરી આવી રહી છે પરંતુ એમાં કેસરનું ફળ ન ઉમેરાય ત્યાં સુધી સ્વાદ નથી મળતો. સામાન્ય લોકોને પોસાય તેવો ભાવ પણ થતો નથી.આજે મંગળવારે બપોરે બે વાગ્યાથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો આરંભ થવાનો છે. આ વર્ષે કોરોના સંક્રમણને લીધે ફફડાટ પણ છે. છતાં હવે હરાજી શરૂ થયા પછી કેટલો સમય ચાલી શકશે તે અંગે ચિંતા પણ સતાવી રહી છે.
તલાલામાં ગયા વર્ષે 10મી મે એ પ્રથમ હરાજી થઇ હતી. એ રીતે આ વર્ષે 6 દિવસ વહેલા કામકાજ શરૂ થશે. પાછલા વર્ષે યાર્ડમાં 37 દિવસ સુધી કેરીની આવક થઇ હતી અને આશરે 6.07લાખ બોકસનો સરેરાશ ભાવ 10 કિલોએ રૂા. 410 હતો. જે બે દાયકામાં સૌથી વધારે રહ્યો હતો. ગયા વર્ષે રૂા. 29 કરોડની કિંમતની કેરીનું વેચાણ થયું હતું.
પાછલા વર્ષે કોરોનાને કારણે બોકસની અછત થશે એવા એંધાણ મળ્યા હતાં. જો કે, બાદમાં બધુ સમુસૂતરૂ થઇ જતા સીઝન હેમખેમ પૂરી થઇ હતી. કેસર કેરીની હરાજી પણ વધુ પ્રમાણમાં થતા ખેડૂતોને ફાયદો મળ્યો હતો અને તાલાલાના અર્થતંત્રને પણ વેગ મળ્યો હતો.
રાજકોટની ફળ બજારમાં અત્યારે ગીર સિવાયના વિસ્તારોની કેસર કેરીના બોકસ મળવા લાગ્યા છે. 10 કિલોના બોકસ દીઠ રૂા. 550 થી 1300 સુધીનો ભાવ બોલાય છે. જો કે, કેસરની ગુણવતા હજુ સંતોષકારક આવતી નથી. બીજી તરફ આફુસની આવક સ્થાનિક બજારમાં સારી છે. જોકે, કેસરની ગુણવતા હજુ સંતોષકારક આવતી નથી. બીજી તરફ આફુસની આવક સ્થાનિક બજારમાં સારી છે. અને છૂટકમાં એક કિલોએ રૂા.125-150 ના ભાવમાં મળે છે. લાલબાગનો ભાવ રૂા. 80-100 જેટલો ચાલે છે. તાલાલાની હરાજી શરૂ થયા પછી કેરી બજારમાં ખરીદીનો ધમધમાટ વધશે.


