કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10મી મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને 13મીમેના દિવસે પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે.
9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજીવ કુમારે કહ્યું કે અમે અગાઉ એક પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંતર્ગત 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે. આ માટે અમે એડવાન્સ અરજીઓ મંગાવી હતી. વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે.
ગત વખતે જેડીએસ-કોંગ્રેસ સાથે હતા, પરંતુ આ વખતે જેડીએસ અલગથી ચૂંટણી લડશે.કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠક છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. પછીથી કોંગ્રેસ-ઉંઉજ ગઠબંધનની સરકાર બની હતી.