કાલાવડ તાલુકાના રણુજા ગામના વાડી વિસ્તારમાં રહેતાં યુવકની મંગેતરને ગુટખા ખાવાની ના પાડતા મંગેતરએ ભાવિ ભરથારની વાત ન માનતા બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ યુવકએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રીંછરોટા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના રણુજા ગામની સીમમાં આવેલી જયેશભાઇ દોંગાની વાડીમાં ખેતમજૂરી કરતાં અલ્પેશભાઇ રમેશભાઇ નાઇક (ઉ.વ.19) નામનો યુવક તેની મંગેતર ભાવનાબેન સાથે રહેતો હતો. મંગેતરને સિલ્વર ગુટખા ખાવાની કૂટેવ હતી. જે બાબતે ભાવિ ભરથારએ ગુટખા ખાવાની ના પાડતાં મંગેતર માનતી ન હતી. જેથી બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ અલ્પેશને મનમાં લાગી આવતાં સોમવારે વહેલી સવારના સમયે ખેતરમાં આવેલા બાવળના ઝાડ નીચે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતક અલ્પેશના ભાઇ વિજય દ્વારા જાણ કરાતા હે.કો. ડી. એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


