કાલાવડમાં પીડબલ્યુડી સર્કલ પાસે ચેકિંગ દરમિયાન ઈકો કારને આંતરવાનો પ્રયાસ કરતા કારે ફિલ્મી ઢબે કાર મારી મૂકી હતી. જેથી પોલીસે પીછો કરી શીતલા કોલોની પાસે પાંચ આરોપીઓને ચોરાઉ ઈકો કાર સાથે દબોચી લીધા હતાંં.
બનાવની વિગત મુજબ, રાજકોટ-કાલાવડ રોડ પર ગુરૂવારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પીઆઇ વી.એસ.પટેલની સુચનાથી પીએસઆઈ જે.એસ. ગોવાણી, સંજય બાલીયા અને નવલભાઈ આસાણી સહિતના સ્ટાફ દ્વારા કાલાવડમાં પીડબલ્યુડી સર્કલ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન રાજકોટ તરફથી આવી રહેલી જીજે-03-એલજી-3756 નંબરની ઈકો કારે આંતરવાનો પ્રયાસ કરતાં કારચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી શંકા જવાથી પોલીસે ઈકો કારનો પીછો કરી શીતલા કોલોની પાસે આંતરી લઇ કોર્ડન કરી કારમાંથી પાંચ શખ્સોની પૂછપરછ કરતા આ કાર તસ્કરોએ લોધિકા તાલુકાના અનીડા ગામમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. જેથી પોલીસે પાંચ તસ્કરો અને ઈકો કારને ઝડપી લઇ લોધિકા પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.