જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર પર હુમલાની ઘટનાના રેસિડેન્ટ ડોકટરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જુનિયર ડોકટર્સ એસોસિએશને આજે મેડિકલ કોલેજના ડીનને આવેદન પાઠવી 24 કલાકમાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ પ્રકારની તબીબી સેવાઓ બંધ કરી ધરણા પર બેસવાની ચેતવણી આપવામાં આવી છે.
જુનિયર ડોકટર એસો.ને મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇને આવેદનપત્ર આપી સ્પષ્ટ જણાવ્યું છે કે, ગઇકાલે જી.જી. હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવતાં રેસિડેન્ટ ડોકટર પર અહીં સારવાર લઇ રહેલા દર્દીના સગાએ અચાનક હુમલો કરી તેનું ગળુ દબાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ છે. આ હુમલાને કારણે ડો. રણજીતને કાનના પડદામાં ઇજા થવા પામી છે અને સાંભળવામાં પણ તકલિફ ઉભી થઇ છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા જે કાર્યવાહી ચાલી રહી છે. તે ત્વરિત થાય અને કાનૂની રાહે આરોપીની ધરપકડ કરી યોગ્ય સજા કરવામાં આવે એ પ્રકારની કાર્યવાહી ડીન કચેરી દ્વારા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. રેસિડેન્ટ ડોકટરોએ જણાવ્યું છે કે, તમામ ડોકટરો ફરજ દરમિયાન તેમની સુરક્ષાની બાબતે ચિંતિત છે. ત્યારે તેમની સુરક્ષાને લઇને સઘન પગલાં લેવામાં આવે.