જામનગર જિલ્લાના જોડીયા ટાઉનમાં પરા વિસ્તારમાં આવેલી તાલુકા શાળા નંબર-1 કે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આરોગ્યનું જોખમ તોળાઈ રહ્યું છે. આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણી શાળા પરિસરમાં એકત્ર થઈને તળાવના સ્વરૂપમાં ભરેલું રહેતું હોવાથી ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓને ગંદકી ભર્યા સામ્રાજ્યમાંથી ચાલીને શાળામાં પ્રવેશવું પડતું હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે. શાળા સંચાલકોની અનેક રજૂઆતો તરફ લક્ષ્ય સેવાતું નથી. જેથી વાલીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે.
જોડિયાની તાલુકા શાળા નંબર-1 કે જેના શિક્ષકો સંચાલકો દ્વારા ગ્રામ પંચાયત, મામલતદાર વગેરેને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં ભાદરવા મહિનામાં પણ ચોમાસાની સિઝન ચાલી રહી છે, અને જોડીયા ના આસપાસના વિસ્તારના ગંદા પાણી શાળા પરિસરમાં ફરી વળ્યા છે. જેથી શાળાએ આવતા વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલમાં પ્રવેશ કરવો પડે છે, જેથી તેઓ બેસીને અભ્યાસ પણ કરી શકતા નથી, ઉપરાંત વિદ્યાર્થીઓને મૂકવા માટે આવનારા વાલીઓ પણ આવી પરિસ્થિતિ જોઈને ના ખુશ બની રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે શાળાની સમસ્યાને દૂર કરીને વિદ્યાર્થીઓ પર તોડાઈ રહેલા આરોગ્યના જોખમ બાબતે લક્ષ્ય આપવા શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે દ્વારા માંગ કરવામાં આવી રહી છે.