Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં જુદા જુદા કામો માટે ફિક્સ પોલિસી તૈયાર કરશે જામ્યુકો

જામનગર શહેરમાં જુદા જુદા કામો માટે ફિક્સ પોલિસી તૈયાર કરશે જામ્યુકો

ઇ-બસ સેવાનું આખું માળખું તૈયાર કરવા માટે કમિશનરને આપવામાં આવી સંપૂર્ણ સત્તા

જામનગર શહેર અને આસપાસના ‘જાડા’ના વિસ્તારોમાં ઇ-બસ સેવા શરૂ કરવા માટે તે અંગેની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા તેમજ તેના મેનેજમેન્ટ, મેઇન્ટેનન્સ માટે અલગ કંપની બનાવી તેને રજિસ્ટર્ડ કરવાની તમામ પ્રકારની કાર્યવાહીને આગળ ધપાવવાની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા કેટલીક કામગીરી અંગે ફિક્સ પોલિસી નિર્ધારણ કરશે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાંક નીતિવિષયક નિર્ણયો લેવા સાથે કરોડોના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને ભવિષ્યમાં શહેરમાં પ્રધાનમંત્રી ઇ-બસ સેવા યોજના અંતર્ગત ઇ-બસ ડેપો બનાવવો, ઇ-બસનું સંચાલન કરવું, પ્રોજેક્ટ મેઇન્ટેનન્સ જેવી જુદી જુદી કામગીરી માટે પોલિસી બનાવવા તેમજ આ કામગીરી સરળતાપૂર્વક થાય તે માટે એક અલગ કંપની બનાવી બોર્ડ ઓફ ડિરેકટર્સની નિમણૂંક કરી તેનું સંચાલન કરવા માટેનું આખું માળખું તૈયાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. આ અંગેની દરખાસ્ત અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં એનિમલ બર્થ ક્ધટ્રોલ કરવા માટે એસઓપી તૈયાર કરવા તેમજ આ પ્રોગ્રામને એક પોલિસી તરીકે ફ્રેમવર્ક કરવામાં આવશે. તેમજ શહેરમાં ગ્રીન કવરની કામગીરી, ઐતિહાસિક ઈમારતોની જાળવણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામની કાર્યપદ્ધતિ, વરસાદી પાણીના સંગ્રહ અને રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી માટે એક ચોક્કસ પોલિસી નિર્ધારિત કરવામાં આવશે. ભવિષ્યમાં આ પોલિસી અંતર્ગત ઉપરોક્ત કામગીરી કરવામાં આવશે. તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર પણ નિયત કરી આ તમામ પોલિસીને રાજ્ય સરકારમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

- Advertisement -

ગુરૂવારે યોજાયેલી સ્થાયી સમિતિની આ બેઠકમાં કુલ રૂા. 19.59 કરોડના જુદા જુદા વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેરાતના હોર્ડિંગ્ઝ તેમજ ઇલેકટ્રીક પોલ પર ક્યિોસ્ક બોર્ડ લગાવવાની મંજૂરી આપતાં રૂા. 40 લાખની આવકનો પણ સમાવેશ થાય છે. શહેરમાં પત્રકાર સોસાયટી અને ક્રિકેટ બંગલા શેરી નંબર 1, 2 અને 3ના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ બનાવવા માટે રૂા. એક કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે તળાવની પાળના ઢાળિયાથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ થઇ ટાઉનહોલની ગોળાઇ અને બેડીગેઇટ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે. જે માટે રૂા. 182 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જામનગરના જુદા જુદા રસ્તાઓ પર ગો ગ્રીન યોજના અંતર્ગત વૃક્ષારોપણ કરી અને તેની 3 વર્ષ સુધી જાળવણી કરવા માટે રૂા. 150 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.

જામનગરમાં ડીકેવી રોડ પર નવલભાઇ મિઠાઇવાળાની દુકાન પાસેથી આયુર્વેદિક યુનિવર્સિટી રોડ સુધી ‘વાય’ આકારમાં સીસીરોડ બનાવવામાં આવશે. રસ્તાની બન્ને બાજુ સીસી બ્લોક બેસાડવા માટે રૂા. 131 લાખના ખર્ચને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળા માટે ડોમ અને મંડપ તૈયાર કરવા રૂા. 15.60 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

આ બેઠકમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular