જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં છાશવારે ખડકાઈ જતી ન્યુસન્સરૂપ ઝુંપડપટ્ટી ફરી એક વખત જામ્યુકો દ્વારા હટાવવામાં આવી છે. વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરા એ આ અંગે કમિશનરને કરેલી રજૂઆત બાદ જામ્યુકોના એસ્ટેટ વિભાગે આજે સવારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખડકાઈ ગયેલા ઝુંપડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્પોરેટરે અસામાજિક પ્રવૃત્તિઓના એપીસેન્ટર જેવી આ ઝુંપડપટ્ટીનું ન્યુસન્સ તાકીદે દૂર કરવા કમિશનરને પત્ર પાઠવ્યો હતો. આ વિસ્તારમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે એટલું જ નહીં પ્રદર્શન મેદાનમાં અવાર-નવાર સામાજિક, ધાર્મિક તેમજ અન્ય કાર્યક્રમો પણ યોજાતા રહે છે. આવા કાર્યક્રમો દરમિયાન ઝુંપડપટ્ટીના અસામાજિક તત્વો ન્યુસન્સ ફેલાવે છે તેમજ સુજ્ઞ નાગરિકોમાં ભયનું વાતાવરણ પણ ઉભું કરે છે. ત્યારે આ ઝુંપડપટ્ટીને તાત્કાલિક હટાવી અને ફરીથી તે અહીં સ્થાપિત ન થાય તે માટે નકકર વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં અહીં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં ઝુંપડપટ્ટીના અસામાજિક તત્વોએ લખણ ઝળકાવ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ઘુસી આવેલા તત્વો ભોજન સમારંભ દરમિયાન થાળી-વાટકા તેમજ અન્ય સાધનો સહિતની ચીજવસ્તુઓ ચોરી ગયા હતાં. એટલું જ નહીં અહીં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકો માટે રાખવામાં આવેલા પાણીના ટેન્કરમાંથી બધુ પાણી પણ ઉસેડી ગયા હતાં. આ ઉપરાંત કેટલીક કિંમતી ચીજવસ્તુઓ પણ ચોરી કરી ગયા હતાં. જેમાં મંડપ ઓપરેટરની સીડીનો પણ સમાવેશ થાય છે. આયોજકો આ સીડી પરત લેવા માટે આ અસામાજિક તત્વોને નાણાં ચૂકવ્યા પડયા હોવાનું પણ જાણવા મળ્યું છે અનેક અપરાધિક પ્રવૃત્તિઓમાં અહીં રહેતાં અસામાજિક તત્વોની સંડોવણી ભૂતકાળમાં બહાર આવી છે ત્યારે પ્રદર્શન મેદાનની ન્યુસન્સરૂપ ઝુંપડપટ્ટીનો હંગામી નહીં પરંતુ કાયમી ધોરણે ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.