આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગત તા.20 મે થી શહેરની વરસાદી પાણીના નિકાલની કેનાલો તેમજ નાલા અને પુલીયાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 40 કિ.મી. લંબાઇની કેનાલોની સફાઈ કામગીરી થઈ ચૂકી છે. અને તે સફાઈ કામગીરી દરમિયાન અંદાજિત 1000 મેટ્રીક ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. જામ્યુકો દ્વારા ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરીને ધ્યાને લઇ ગઈકાલે કમિશનર ડી.એન. મોદી દ્વારા દરેડ ફીડીંગ કેનાલ, 49 દિગ્વીજય પ્લોટની કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલથી સોનલનગર, રામેશ્ર્વરનગર, ભીમવાસ, ખોડિયાર કોલોની, સત્યમ કોલોની સહિતના વિસ્તારોની વરસાદી પાણીના નિકાલની કેનાલોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે બાકી રહેતી કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે પણ અધિકારીઓને તાકીદ કરી હતી.