કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજય સરકાર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓમાં લાગી છે. નવા રોકાણોને ગુજરાતમાં આકર્ષવા માટે યોજવામાં આવી રહેલી આ સમિટને સફળ બનાવવા માટે જામનગર મહાપાલિકાએ પણ કરોડોનું રોકાણ દર્શાવતા 156 એમઓયુ રજૂ કરી દીધા છે. જામ્યુકો દ્વારા રજૂ કરવામાં આવેલાં એમઓયુમાં હાલ શહેરમાં ચાલી રહેલાં પ્રોજેકટનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટે જામનગર મહાપાલિકા દ્વારા કુલ 156 એમઓયુ રજૂ કરવામાં આવ્યા છે. જામ્યુકોની ટીપીઓ શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર આ વખતે જામનગરને 153 રોકાણ એમઓયુનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે સામે જામ્યુકોએ 156 એમઓયુ કરીને વાયબ્રન્ટ સમિટ માટે રજૂ કરી દીધા છે. જામ્યુકો દ્વારા જે એમઓયુ રજૂ કરવામાં આવ્યા છે તેમાં શહેરમાં 200 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલાં ફલાયઓવર, રૂા. રપ કરોડના ભૂજિયો કોઠો રેસ્ટોરેશન વર્ક ઉપરાંત શહેરમાં નિર્માણ પામનારા આવાસ પ્રોજેકટ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના કામો, ભૂગર્ભ ગટરના ફેઇઝવાઇઝ ચાલી રહેલાં કામો ઉપરાંત શહેરના કેટલાક નામી બિલ્ડરો દ્વારા ચાલી રહેલાં હાઇરાઇઝ બિલ્ડીંગના કામોનો સમાવેશ થાય છે.
વાયબ્રન્ટ સમિટ યોજવા પાછળનો ઉદેશ રાજયમાં નવા રોકાણો અને નવી રોજગારીની તકો લાવવાનો દર્શાવવામાં આવે છે. સરકાર દ્વારા પ્રચાર પણ આ પ્રકારનો જ કરવામાં આવે છે. પરંતુ નવા રોકાણોને બદલે જૂની અને હાલમાં ચાલી રહેલી યોજનાઓનો વાયબ્રન્ટમાં સમાવેશ કરીને રોકાણનું રૂપાળું ચિત્ર દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જામ્યુકોએ રજૂ કરેલાં એમઓયુ પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. જામ્યુકો દ્વારા જે એમઓયુ રજૂ કરવામાં આવ્યા છે તેમં એક પણ નવું રોકાણ નથી. હાલ ચાલી રહેલી યોજનાઓ અને પ્રોજેકટને જ આ એમઓયુમાં સમાવીને કરોડોના રોકાણ અને રોજગારીનું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઇ રહયું છે. જે પ્રોજેકટના એમઓયુ કરવામાં આવ્યા છે તે તમામ પ્રોજેકટ ઘણાં લાંબા સમયથી ચાલી રહયા છે. એટલું જ નહીં વાયબ્રન્ટ વગર પણ આ પ્રોજેકટ આગળ ધપવાના છે અને પૂર્ણ પણ થવાના છે. છતાં પણ તેને નવા પ્રોજેકટ તરીકે દર્શાવીને રોકાણના ભ્રમિત આંકડાઓ દર્શાવવાનો પ્રયાસ હોય તેવું જણાઇ રહયું છે. ભૂતકાળમાં પણ જામ્યુકો દ્વારા આ પ્રકારે જ એમઓયુ કરવામાં આવ્યા છે.