Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોના કમિશ્ર્નર આખું શહેર ખુંદી વળ્યાં, ફંફોળી વિકાસની સંભાવનાઓ

જામ્યુકોના કમિશ્ર્નર આખું શહેર ખુંદી વળ્યાં, ફંફોળી વિકાસની સંભાવનાઓ

- Advertisement -

- Advertisement -

જામ્યુકોના નવનિયુકત કમિશ્ર્નર વિજયકુમાર ખરાડીએ આજે જામનગર શહેરની હદ દિશા તેમજ વોર્ડ રચનાનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. ઉપરાંત શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેકટના કામની મુલકાત લઇ તેની પ્રગતિ અંગેની જાણકારી સ્થળ ઉપર જઇને મેળવી હતી.
મ્યુનિસિપલ કમિશ્ર્નર વિજયકુમાર ખરાડીએ આજે સીટી ઇજનેર શૈલેષ જોષી સાથે જામનગર મહાપાલિકાની હદનું નિરિક્ષણ કર્યું હતું. શહેરની ઉતરે માથાપરભુંગાથી શરૂ કરીને દક્ષિણમાં રણજીતસાગર ડેમ બ્રીજ સુધી તેમજ પશ્ર્ચિમમાં લહેર તળાવથી પૂર્વમાં રાજકોટ રોડ સુધીના સમગ્ર વિસ્તારની ટોપોગ્રાફી અંગે જાણકારી મેળવી હતી. સ્થળ ઉપર જ શહેરની વોર્ડ રચનાનો નકશાના આધારે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કમિશ્ર્નરે હાપામાં આવેલાં કોર્પોરેશનના નાઇટ સેલટર હોમની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે સેલટર હોમમાં કેટલાંક જરૂરી સુધારા વધારા સૂચવ્યા હતાં. તેમજ સમગ્ર પરિષદની સ્વચ્છ રાખવા પર ભાર મુકયો હતો. જામ્યુકોના આ સેલટર હોમમાં માર્ચ 2020થી 50 જેટલાં લોકો આશ્રય લઇ રહ્યા છે. તેઓને જલારામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે ભોજન આપવામાં આવે છે. જયારે અન્ય સુવિધાઓ મહાપાલિકા તરફથી પૂરી પાડવામાં આવે છે.
મ્યુનિસિપલ કમિશ્ર્નરે શહેરમાં ચાલતાં જુદાં-જુદાં વિકાસ પ્રોજેકટની પણ મુલાકાત લીધી હતી. ખાસ કરીને મહત્વકાંક્ષી ફલાઇઓવર પ્રોજેકટના ચાલતાં કામનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. ફલાઇ ઓવરની કામગીરી દરમ્યાન લોકોના જાનમાલની પૂરતી સલામતી જળવાય તે માટે તાકિદ કરી હતી. આ ઉપરાંત ભુજીયા કોઠાના રેસ્ટોરેસન વર્કનું પણ નિરિક્ષણ કર્યું હતું.
શહેરમાં વાલસુરા રોઝી પોર્ટ રોડને ક્વિન નેકલેશ રોડ તરીકે વિકસાવા માટે ભારતીય નૌ સેનાની તૈયારીને ધ્યાનમાં રાખી પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા માટે સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. અહીં રોડ સાઇડમાં સાઇકલ ટ્રેક, ફલાવરિંગ, ગાર્ડનિંગ, લાઇટીંગ, ટોયલેટ બ્લોક સહિતની સુવિધાઓ વિકસિત કરવા માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આજે સમગ્ર દિવસ દરમ્યાન કમિશ્ર્નરે જામનગર શહેર અને તેની રચનાની જાણવાનો પ્રયાસ કર્યો હતો.તેમજ શહેરની આંતરિક વ્યવસ્થા અને સમસ્યા સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો.તેમની આ મુલાકાત દરમ્યાન સીટી ઇજનેર શૈલેષ જોષીએ સાથે રહી સમગ્ર શહેરની ટોપોગ્રાફી અંગે જાણકારી આપી હતી. આ સમયે આસી.કમિશ્ર્નર ભાર્ગવ ડાંગર, પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની તેમજ જુદાં જુદાં વિભાગના લગત અધિકારીઓ પણ જે-તે સ્થળે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular