ગુજરાત સહીત દેશભરમાં આજથી 15થી18 વર્ષના તરુણોના વેક્સીનેશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ સવારે ગાંધીનગરથી વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ પણ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. આજે રોજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના વેક્સીનેશનને લઇને પુરતી તૈયારીઓ છે. અને તેમના માતાપિતાને પણ સલાહ આપી હતી કે તેઓ તેમના બાળકોને કોરોનાની વેક્સિન અપાવી સુરક્ષિત કરે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે આજથી 15 થી 18 વર્ષના તરુણો માટે વેક્સિનનો પ્રારંભ થઇ રહ્યો છે. ભગવાનના સ્વરૂપ સમાન બાળકોને ગણવામાં આવે છે. અને આ બાળકો માટે પણ હવે વેક્સિન આવી ગઈ છે. તો દરેક માતા-પિતા પોતાના બાળકોને વેક્સિન અપાવે અને સુરક્ષિત કરે જેથી કરીને કોરોનાનો નાશ થઇ શકે. આ ઉપરાંત તમામ શાળાઓમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા જણાવ્યું છે અને જો કોઈ શાળા દ્રારા તેનો ભંગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે.
જીતુ વાઘાણીએ એક મહત્વની જાહેરાત પણ કરી છે કે રાજ્યના 40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થી હોય તેમને શિષ્યવૃતિ મળશે. રાજ્ય સરકારના આયોજન પ્રમાણે ચાલુ વર્ષે માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓને લાભ મળશે. અને 2.82 લાખ લોકોને કાર્ડ મળી ચુક્યા છે. રાજ્યના કુલ 5લાખથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીને આ શિષ્યવૃતિનો લાભ મળશે.
અંતે ઉલ્લેખનીય છે કે શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા આજથી શરુ થઇ છે આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી આપવામાં આવશે.