જામનગર શહેરના ખાદી ભંડાર સામે નવીવાસમાંથી બુધવારે રાત્રિના સમયે રહેણાંક મકાનના પહેલાં માળે લોખંડની તીજોરી તોડી સોનાના ઘરેણાં સહિત કુલ રૂા.4,15,000 ની ચોરી થયાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી ગેઈટ નજીક ખાદી ભંડાર સામે નવીવાસ વિસ્તારમાં રહેતા પ્રભુલાલ ભગવાનજીભાઈ દેવાણીના મકાનમાં ગત તા.24 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે પહેલાં માળે રૂમમાં લોખંડની તીજોરીના ખાનામાં ફરિયાદ તથા ફરિયાદના માતાએ રાખેલ વર્ષો જૂના સોનાના ઘરેણાં કોઇ તસ્કરો ચોરી કરી ગયા હતાં. જેમાં મંગલસૂત્ર, સોનાની પટ્ટીવાળા એક જોડી પાટલા, બે નંગ વીંટી, હાથનો પોચો, બે નંગ બાજુબંધ, બે નંગ કાનની સર, એક નંગ કાળા મોતીવાળા સોનાના તારવાળી કંઠી સહિત રૂા.4,15,000 ની કિંમતના 12 થી 13 તોલા સોનાની ચોરી થઈ હતી. આ અંગે શકમંદ તરીકે ફરિયાદીએ ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અભય રમેશભાઇ કુંવરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હોય, સિટી એ ના પીએસઆઈ એન.વી. હરિયાણી સહિતના સ્ટાફ દ્વારા ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.