જામનગરમાં વાવાઝોડાંની આગાહી વચ્ચે જામનગર મહાનગરપાલિકાની એક મોટી લાપરવાહી જોવા મળી છે. હાલમાં સંભવિત વાવાઝોડાંને ધ્યાને લઇ જિલ્લા વહિવટી તંત્ર અનેક તકેદારીના પગલાં લઇ રહ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ઢીલી નીતિ જોવા મળી રહી છે. જામનગરમાં ભૂજિયા કોઠાનું મરામત કાર્ય ચાલી રહ્યું છે જે માટે મહાકાઇ ક્રેઇનનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ વાવાઝોડાંની આગાહી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ ક્રેઇન ઉતારવામાં આવી નથી. જે શહેરીજનો ઉપર જોખમ રૂપે ઝળુંબી રહી છે. ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાંની આગાહી હોય આ મહાકાઇ ક્રેઇનને જો કાઇ થાય તો મોટી આફત બની શકે છે.ભુજિય કોઠાની પાસે અનેક રહેણાંક મકાનો પણ આવેલાં હોય જો આ ક્રેઇન ને કઇ થાય તો રહેવાસીઓ ઉપર જોખમ સર્જાય શકે છે. જેના કારણે રહેવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા બિલ્ડીંગો ઉપર લગાવેલાં હોર્ડિંગસ ઉતારવામાં પણ બેદરકારી દાખવી છે. ગઇકાલે આ અંગે પણ ‘ખબર ગુજરાત’ દ્વારા વિડીયો મારફત તંત્રને જગાડવા પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ હોર્ડિંગસ ઉતારવા મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી હતી. આમ છતાં હજુ પણ શહેરના અંબર ચોકડી, જુનું રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં હોર્ડિંગસ લાગેલા છે જે શહેરીજનો ઉપર આફત રૂપ બની શકે છે.