જામનગર મહાનગરપાલિકાના અધિકરી/કર્મચારીને અકસ્માતે અવસાન અન્વયે તેમના કુટુંબને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા તેમજ આ સહાય રૂા. 10,000થી વધારી રૂા. 25000 કરવાના કમિશનરની દરખાસ્તને જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવી હતી.
આજરોજ ટાઉનહોલ ખાતે યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોઇ મહત્વના એજન્ડા ન હોય, એકંદરે શાંતિપૂર્ણ રીતે આટોપી લેવામાં આવી હતી. વિપક્ષ દ્વારા પણ કોઇ મહત્વના પ્રશ્ર્નોની ચર્ચા થઇ ન હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા બાદ આજરોજ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા એમ.પી. શાહ ટાઉનહોલમાં યોજાઇ હતી. મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં સૌપ્રથમ હર્ષાબા જાડેજા, ડિમ્પલ રાવલ, દિવ્યેશ અકબરી સહિતના સભ્યોના રજા રિપોર્ટ મંજૂર કરાયા હતાં. તેમજ વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશ કગથરાના મોટાબેન તેમજ વોર્ડ નં. 10ના કોર્પોરેટર પાર્થ જેઠવાના મોટાબાપુનું અવસાન થયું હોય, શોક ઠરાવ પસાર કરી મૌન પાડવામાં આવ્યું હતું. આ ઉ5રાંત ગત તા. 18-10-22ની મિટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી.
આ સામાન્ય સભા મહાનગરપાલિકાના અધિકારી અશોક જોશીએ હાલમાં ચાલી રહેલા સ્માર્ટ સીટીના સર્વે અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તા. 9 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી સુધી આ સર્વે ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ ભાગ લઇ ચૂકયા છે. આ સર્વેમાં આઠ મહાનગર તેમજ દાહોદ શહેર ભાગ લઇ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કામાં 14 વિભાગના 442 ડેટાબેઇઝ માત્ર 10 દિવસમાં રજૂ કર્યા હતાં. જે સમગ્ર ગુજરાતમાં જામનગર સૌપ્રથમ રહ્યું હતું. આ તકે મેયર બિનાબેન કોઠારીએ ડેટાબેઇઝમાં સૌપ્રથમ રહેવા બદલ જામ્યુકોના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ ધારાસભ્ય તરીકે દિવ્યેશભાઇ અકબરી વિજેતા થતાં અભિંદન પાઠવ્યા હતાં.
સામાન્ય સભાના બીજા એજન્ડા અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીના અકસ્માતે અવસાન અન્વયે તેમના કુટુંબને જે રૂા. 10000ની સહાય ચૂકવવામાં આવતી હતી તે રૂા. 25000ની સહાય ચૂકવવા કમિશનરની દરખાસ્ત સર્વાંનુમત્તે મંજૂર કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડે આઉટ સોર્શિંગ કર્મચારીનું શોષણ થતું હોવાના મુદ્ાને લઇ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જામનગર મહાનગરપાલિકામાં હાલમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હોય, અધિકારીઓ ઉપર ભારણ આવતું હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મહાનગરપાલિકામાં માત્ર 35 ટકા કર્મચારીઓ રહ્યા છે. 1984નું સેટઅપ છે. આથી કર્મચારીઓની ભરતી કરી માળખુ ઉભું કરવા પણ રજૂઆત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જામનગર મહાનગરપાલિકામાં 6 જેટલી આઉટ સોર્શિંગ એજન્સીઓ કાર્યરત છે. જેઓ કેટલુ પીએફ કાપે છે તે અંગે માહિતી માંગી હતી. જે અંગે નાયબ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે, જામ્યુકો દ્વારા પીએફ માટે આઉટ સોર્શિંગના કર્મચારીઓને ભંડોળ આપવામાં આવતું નથી. પરંતુ એજન્સીઓ દ્વારા 12 ટકા અને કર્મચારીઓ દ્વારા 12 ટકા પીએફ હોય છે. જે અંગે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, આઉટ સોર્શિંગ એજન્સી વર્ગ 4ના કર્મચારીમાં માત્ર રૂા. 96 પીએફ કાપે છે. કર્મચારીઓને રૂા. 7500 પગાર હાથમાં આવે છે. રૂા. 2500નું પીએફ બતાવી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે.
પૂર્વવિપક્ષી નેતા અલ્તાફ ખફી દ્વારા પણ કર્મચારીઓની ભરતી કરવાનો પ્રશ્ર્નો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓનું સંખ્યાબળ ખૂબ ઓછું છે. દિવસેને દિવસે અધિકારીઓ ઓછા થાય છે. એક-એક અધિકારીઓ માટે ત્રણ-ત્રણ, ચાર-ચાર ચાર્જ છે. જેને કારણે અધિકારીઓ ઉપર કામનું ભારણ પણ વધુ છે. જેને લઇ અધિકારીઓને કામ માટે ફોન કરવાનું પણ મન થતું નથી. અધિકારીઓ પાસે ફાઇલોના ઢગલા પડયા છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, સેટઅપ રેડી છે. ટૂંકસમયમાં ભરતી પ્રક્રિયા થશે.
વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી તથા અસ્લમ ખિલજીએ વોર્ડ નં. 12 સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનબબેને જણાવ્યું હતું કે, વોર્ડ નં. 12માં કાલાવડનાકા બહાર આવેલ રંગમતિ-નાગમતિ નદીના પુલ જર્જરીત હોય, છેલ્લા દોઢ વર્ષથી રિપેરીંગની માગણી કરવામાં આવી છે. આ અંગે ઇજનેરોએ સર્વે કરી આ પુલને નવો બનાવવાની તો ઠીક, રિપેરીંગની પણ જરુર ન હોય, તેવું જણાવ્યું છે. ગતવર્ષે આ પુલ ઉપરથી 5 ફૂટ જેટલું પાણી જતું હતું. ફૂટપાથની ટાઇલ્સો નિકળી ગઇ, પાઇપલાઇન પણ નિકળે છે. છતાં થિગડું પણ નથી માર્યુ. ચૂંટણી સમયે શહેરના અનેક વોર્ડમાં રોડના સમારકામો થયા પરંતુ આ પુલમાં કોઇ કામગીરી થઇ નથી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં રખડતા ઢોરને હાંકવા માટે 37 જગ્યાએ રોજમદાર રાખ્યા છે. જેને રૂા. 452 રોજનું ભથ્થુ આપવામાં આવે છે. આમ, રખડતા ઢોર હાકવા મહાનગરપાલિકા રૂા. 81 લાખથી વધુનો ખર્ચો કરે છે. આમ છતાં વોર્ડ નં. 12માં એકપણ રોજમદાર ફાળવાયો નથી. અહીં પણ રખડતા ઢોરની સમસ્યા છે. છતાં ભેદભાવ થઇ રહ્યો છે.
અસ્લમ ખિલજીએ વોર્ડ નં. 12 મહાનગરપાલિકામાં ન આવતો હોવાનો પ્રશ્ર્ન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અહીં વન-ડે વન વોર્ડની સફાઇ કામગીરી થતી નથી. શહેરના તમામ વોર્ડનો સમાવેશ થાય છે. ત્યારે વોર્ડ નં. 12નો શું કામ નહીં? તેમજ વોર્ડ નં. 12માં આવેલ કોમ્યુનિટી હોલમાં આરોગ્યની ચકાસણી થતી હતી. જેનો વોર્ડ નં. 12ની સાથે વોર્ડ નં. 9 અને 10ના નાગરિકો પણ લાભ લેતાં હતાં. અહીં 100થી 150 લોકો દરરોજ આરોગ્ય ચકાસણી માટે આવતાં હતાં. પરંતુ તાજેતરમાં રતનબાઇની મસ્જિદ નજીક સીટી ડિસ્પેન્સરી શરુ થઇ તેમાં વોર્ડ નં. 12ના કોમ્યુનિટી હોલની આરોગ્ય ટીમને મુકી દેવાઇ છે. જેથી વોર્ડ નં. 12માં આરોગ્યની ટીમ અને સુવિધા નથી. સીટી ડિસ્પેન્સરી શરુ થઇ તે આવકારદાયક છે. પરંતુ વોર્ડ નં. 12ના ભોગે ટીમ મૂકવી વાજબી નથી. આથી આ અંગે કાર્યવાહીની માગણી કરી હતી.


