વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ ચોક્કસથી વિશ્ર્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ છે પરંતુ તેઓ ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા જૂથના સંસ્થાપક જમશેદજી ટાટાથી મોટા દાનવીર નથી.
હુરૂન રિપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશ્વના 50 દાનવીરોની યાદીમાં જમશેદજી ટાટા છેલ્લા 100 વર્ષોમાં વિશ્ર્વના સૌથી મોટા દાનવીર તરીકે પસંદગી પામ્યા છે. તેમના દ્વારા સ્થાપવામાં આવેલા ટાટા જૂથે સૌથી વધારે 102 અબજ ડોલર (આશરે 75 ખર્વ 70 અબજ 53 કરોડ 18 લાખ રૂપિયા)નું દાન કરેલું છે. બુધવારે વિશ્ર્વમાં 100 વર્ષોના સૌથી ઉદાર દાનવીરોની એક યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં મીઠાથી લઈને સોફ્ટવેર બનાવનારા ટાટા જૂથના જમશેદજી દાન આપવા મામલે વિશ્ર્વના અન્ય ઉદ્યોગપતિઓ કરતા ઘણા આગળ છે. આ યાદીમાં બિલ ગેટ્સ અને તેમના ડિવોર્સી પત્ની મિલિંડા ગેટ્સ બીજા ક્રમે આવે છે જેમણે 74.6 અબજ ડોલરનું દાન આપેલું છે.
જ્યારે 37.4 અબજ ડોલર સાથે વોરેન બફેટ ત્રીજા ક્રમે, 34.6 અબજ ડોલર સાથે જોર્જ સોરસ ચોથા ક્રમે અને 26.8 અબજ ડોલર સાથે જોન ડી રોકફેલર યાદીમાં પાંચમા ક્રમે છે. જમશેદજીએ પોતાની બે તૃતિયાંશ સંપત્તિ ટ્રસ્ટને આપી દીધી હતી જે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના અન્ય ક્ષેત્રે આજે પણ કાર્યરત છે. તેમણે 1892થી જ દાન આપવું શરૂ કરી દીધું હતું. આ યાદીમાં એકમાત્ર બીજા ભારતીય ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી છે જેમણે આશરે 22 અબજ ડોલરની પોતાની તમામ સંપત્તિ દાન કરી દીધી છે.