જામનગર શહેર અને જિલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત એક ડઝન જેટલા જુદા જુદા ગુનાઓ આચરનાર શખ્સ સામે પાસાની દરખાસ્ત મંજૂર કરાતા એલસીબીએ શખ્સની ધરપકડ કરી સુરત લાજપોરની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

મળતી વિગત મુજબ, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા ગુજરાતમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતાં. જેના અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા પીઆઈ પી પી ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, એએસઆઈ મુકેશસિંહ રાણા, પો.કો. વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા 11 જેટલા જુદા જુદા શરીર સંબંધી, ધાકધમકી, લૂંટ, ચોરી, પ્રોહિબીશન જેવા ગુના આચરનાર દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મંગલસિંહ ચૌહાણ (ઉ.વ.25) નામના શખ્સ વિરૂઘ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેકટર સમક્ષ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત કલેકટર કે.બી. ઠકકર દ્વારા મંજૂર કરવામાં આવતા એલસીબી પીઆઈ વી.એમ.લગારીયા તથા સ્ટાફના શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, સુરેશભાઈ માલકીયા સહિતના સ્ટાફે દિવ્યરાજસિંહની ધરપકડ કરી સુરત લાજપોરની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.