ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસી.ની ભરતી પરિક્ષા રદ્ કરી દેવામાં આવતાં જામનગર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રદ્ થયેલી પરિક્ષા વ્હેલી તકે યોજવા માગણી કરવામાં આવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. 13 ફેબ્રુઆરીના રોજ બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યા બાદ આ પરિક્ષા રદ્ કરી દેવામાં આવતાં આજરોજ જામનગર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. અગાઉ આ પરિક્ષા પેપર ફૂટી જવાના કારણે પરિક્ષા રદ્ કરવી પડી હતી અને પરિક્ષા ફરીથી યોજાવાની હતી પરંતુ સરકાર યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય તેમ પરિક્ષાઓ રદ્ કરી રહી છે. બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરિક્ષા રદ્ થયા બાદ યુવાનો પરિક્ષાની ફરીથી તૈયારીમાં લાગ્યા હતાં. પરંતુ ફરી એકવાર પરિક્ષાનું આયોજન કરાયા બાદ આ પરિક્ષા રદ્ કરી દેવામાં આવી છે. જેના કારણે પરિક્ષાની તૈયારી કરતાં લાખો યુવાનો ફરી નિરાશ થયા છે. આથી ગુજરાતના યુવાનોને થયેલા આ અન્યાયને વાંચા આપવા યુવક કોંગ્રેસ જામનગર દ્વારા સાત રસ્તા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ તકે જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ મસરી કંડોરીયા, યુવક કોંગ્રેસ જામનગર (ઉત્તર) વિધાનસભા પ્રમુખ શક્તિસિંહ જેઠવા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતના કોંગ્રેસના કાર્યકરો-હોદ્દેદારો તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.