Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગર21 જુન વિશ્વ યોગ દિવસે જામનગર બનશે યોગમય - VIDEO

21 જુન વિશ્વ યોગ દિવસે જામનગર બનશે યોગમય – VIDEO

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષા તથા લાખોટા તળાવ ખાતે શહેરકક્ષાની ઉજવણી : સમગ્ર જામનગર જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકો જોડાવાનો અંદાજ : પત્રકાર પરિષદમાં અપાઇ માહિતી

જામનગર સહિત દેશભરમાં આગામી તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઇ તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેર-જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લામાં 11મા વિશ્વ યોગ દિવસમાં અંદાજે 3,31,000 લોકો જોડાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર તથા કમિશનર દ્વારા માહિતી અપાઇ હતી.

- Advertisement -

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 21 જૂનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. આ જ કારણે વડાપ્રધાન દ્વારા 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ વિશ્વના 170 જેટલા દેશોએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નકકી કર્યું હતું. વર્ષ 2015માં 21મી જૂને પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ વર્ષે 21મી જૂનના 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” તેમજ ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” થીમ ઉપર સવારે 6 વાગ્યાથી યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરવામાં આવશે. જામનગર જિલ્લાની દરેક ગ્રામકક્ષા, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટી, કોલેજો, આઇટીઆઇ, દરેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પોલીસ સ્ટેશનો, જિલ્લા જેલ, દરેક આરોગ્ય કેન્દ્રો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર જામનગર જિલ્લામાં અંદાજે 3,31,000 થી વધુ લોકો જોડાશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરકક્ષાની ઉજવણી શહેર ખાતે આવેલ રણમલ તળાવના ગેઇટ નંબર 1 ના પરિસરમાં કરવામાં આવશે. જેમાં મુખ્ય સ્ટેજ અને ડિઝિટલ સ્ક્રીન સાથે ડિસ્પ્લેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. મુખય સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર શહેરની યોગ ટીમ દ્વારા યોગ પ્રોટોકોલનું નિદર્શન કરવામાં આવશે. તેમજ રાજ્ય તેમજ કેન્દ્રકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આ શહેરકક્ષાની ઉજવણીમાં 1500 જેટલા યોગસાધકો ભાગ લઇ શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તળાવના ગેઇટઠ નંબર એકની અંદરના જેએમસી ઓફિસના પરિસરમાં 1000 જેટલા યોગસાધકો ભાગ લઇ શકે તે રીતનું આયોજન હાથ ધરાયું છે. આ ઉપરાંત તળાવની ફરતે પણ અંદાજે 500 યોગસાધકો આ કાર્યક્રમને સમાંતર યોગ કરી જોડાશે. જામનગર મહાનગરપાલિકાની ઉજવણીમાં જામનગર શહેરની જાહેર જનતા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે, આરોગ્ય શાખા, જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ વિભાગ, આઇસીડીએસ શાખા, ફાયર શાખા, યોગ બોર્ડના સભ્યો વગેરે જોડાશે.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular