ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીનો કહેર અતિશય ઝડપથી વકરી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં આજથી લોકડાઉન જેવા જ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ અમલવારી થતા આજે રાજ્યના 29 શહેરોમાં આવશ્યક ચીજવસ્તુઓ-ઉદ્યોગો સિવાયની તમામ વ્યવસાયો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે જામનગરમાં પણ આજથી આ નિયમોની અમલવારી થતા લોકડાઉન જેવી જ સ્થિતિ નિર્માણ પામી છે અને આ નિયમો આગામી તા.5 મે સુધી લાગુ રહેશે.
રાજ્યના મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે કોરોનાની વકરતી જતી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર સહિત 20 શહેરોમાં તા.28 થી તા.5 મે સુધી રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કફર્યૂ યથાવત રાખ્યો છે. ઉપરાંત આ 9 શહેરો ઉમેરીને કુલ 29 શહેરોમાં આજથી 5 મે સુધી આવશ્યક ચીજવસ્તુઓ અને ઉદ્યોગ સિવાયના તમામ વ્યવસાય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે જામનગર કલેકટર રવિ શંકર દ્વારા જામનગર જિલ્લા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કફર્યૂ અને દિવસ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે, અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
તેમજ દુકાનો, જીમ, ઓડીટોરીયમ, સ્વીમીંગપુલ, બાગ-બગીચાઓ, વાનીજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, તમામ લારી-ગલ્લાઓ, ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, મનોરંજક સ્થળો, બ્યુટીપાર્લરો ઉપરાંત તમામ માર્કેટ અને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. અઙખઈ માં શાકભાજી તથા ફાળોનું ખરીદ વહેચાણ ચાલુ રહેશે. દિવસ દરમિયાન લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નહી. લોકો બહાર નીકળી શકશે. પરંતુ રાત્રી દરમિયાન કર્ફ્યું રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે આ તમામ એકમોએ જઘઙ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
જામનગર કલેકટરના જાહેરનામાના પગલે આજ સવારથી જ જામનગર શહેરના તમામ વિસ્તારોમાં વેપાર-ધંધાઓ સજ્જડ બંધ રહ્યા છે અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાય એકપણ દુકાનો કે વ્યવસાયો ખૂલ્યા નથી અને ચાંદી-બજાર, સોની બજાર, રણજીતરોડ, સુપરમાર્કેટ, ડીકેવી રોડ, ખોડિયાર કોલોની માર્ગ, રણજીતનગર, દરબારગઢ, પંચેશ્ર્વરટાવર, પટેલ કોલોની સહિતના તમામ વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યક્રમો અને મેળાવડાઓ પર પ્રતિબંધ રહેશે, લગ્ન માટે 50 વ્યક્તિઓની મંજુરી રહેશે જ્યારે અંતિમક્રિયાઓ માટે 20 વ્યક્તિઓની મંજુરી રહેશે. ગુજરાતના 29 શહેરોમાં લગાવેલા રાત્રી કર્ફ્યુંને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે કર્ફ્યું એટલા માટે લગાવવામાં આવ્યું કે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને ભીડ એકઠી ન થાય. આ વખતે ગામડાઓ પણ સંક્રમણ વધી રહ્યું છે. 5 મે સુધી લગાવવામાં આવેલ કર્ફ્યુંમાં મુખ્યમંત્રી દ્વારા લોકોને સ્વયંશિસ્તનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.