વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો
દિગ્જામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ’ભારત માતા કી જય’, ’વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનએ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.